રૂના ખેડૂતોએ ઊંચા ભાવ માટે માલ પકડી રાખતાં નિકાસને ફટકો

નવી સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત 70 હજાર ગાંસડીની નિકાસ 
મુંબઈ, તા. 24 : આગામી મહિનાઓમાં ઊંચા ભાવ મેળવવાની આશાએ રૂના ખેડૂતો પોતાના પાકનું વેચાણ મુલતવી રાખતા હોવાથી રૂનું ઊંચું ઉત્પાદન થવા છતાં ટ્રેડરોને નિકાસ માટે મુશ્કેલી પડી રહી છે. 
મર્યાદિત પુરવઠાને કારણે સ્થાનિક ભાવ વૈશ્વિક બેન્ચમાર્ક કરતાં નોંધપાત્ર રીતે ઊંચા છે, જેના કરણે ભારત જેવા વિશ્વભરમાં રૂના સૌથી મોટા ઉત્પાદક દેશ માટે વિદેશમાં વેચાણ પોસાણક્ષમ રહ્યું નથી.
કોટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)ના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાએ જણાવ્યું કે નવા પાકની લણણી ગયા મહિને શરૂ થઈ છે, પરંતુ ઘણા ખેડૂતો પોતાના પેદાન વેચવા ઇચ્છતા નથી. તેમણે વીતેલી સિઝનની માફક આ સિઝનમાં પણ ભાવ વધુ ઊંચકાશે એવી આશાએ પોતાનો સ્ટોક પકડી રાખ્યો છે. ગણાત્રાએ જણાવ્યું કે વીતેલી સિઝનમાં ખેડૂતોને રૂના વિક્રમી ભાવ મળ્યા હતા, પરંતુ નવા પાકને એટલા ઊંચા ભાવ મળે તેમ જણાતું નથી, કેમ કે સ્થાનિક ઉત્પાદન વધ્યું છે અને વૈશ્વિક ભાવ ઘટ્યા છે. 
વૈશ્વિક ભાવમાં તેજી અને ઉત્પાદન ઘટવાને પગલે જૂન મહિનામાં રૂના ભાવ પ્રતિ 170 કિલોગ્રામે રૂા. 52,410ની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા. પરંતુ આ ટોચ ઉપરથી ભાવ આશરે 40 ટકા તૂટ્યા છે. દેશમાં રૂના સૌથી મોટા ઉત્પાદક ગુજરાતના ખેડૂત બાબુલાલ પટેલે જણાવ્યું કે ગયા વર્ષે પ્રતિ 100 કિલો રૂા. 8000ના ભાવે કાચું સૂતર વેચાતું હતું, પરંતુ ત્યારબાદ ભાવ વધીને રૂા. 13,000 સુધી પહોંચ્યો હતો. આ વર્ષે અમે ફરી ભૂલ નહીં કરીએ. અમે રૂા. 10,000થી ઓછા ભાવે વેચાણ કરીશું નહીં. 
ફિલિપ કેપિટલ ઇન્ડિયાના કોમોડિટીઝ રિસર્ચ વિભાગના વડા અશ્વિની બંસોડે જણાવ્યું કે ખેડૂતોએ છેલ્લી કેટલીક સિઝનમાંથી ઉપજેલાં નાણાંનો ઉપયોગ કરીને ગોદામની સવલતો સ્થાપી છે. તેઓ આ સવલતોનો ઉપયોગ પાકને સાચવવા માટે કરશે. ઊંચા ઉત્પાદન છતાં હાજર બજારોમાં સામાન્ય કરતાં લગભગ એક તૃતિયાંશ જેટલો ઓછો માલ આવે છે. પહેલી અૉક્ટોબરે શરૂ થયેલી 2022-23ની સિઝનમાં દેશમાં 344 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનું અનુમાન છે, જે પાછલા વર્ષ કરતાં 12 ટકા ઊંચું હશે.  
નવી સિઝનમાં ભારતના વેપારીઓએ અત્યાર સુધીમાં નિકાસ માટે 70,000 ગાંસડીના કરાર કર્યા છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં થયેલા પાંચ લાખ ગાંસડીના કરાર કરતાં નોંધપાત્ર રીતે ઓછા હોવાનું એક વૈશ્વિક ટ્રાડિંગ હાઉસના ડીલરે જણાવ્યું હતું.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust