વિક્રમ ગોખલે વૅન્ટિલેટર પર, પત્ની અને દીકરીએ આપી હેલ્થ અપડેટ્સ

વિક્રમ ગોખલે વૅન્ટિલેટર પર, પત્ની અને દીકરીએ આપી હેલ્થ અપડેટ્સ
હિન્દી અને મરાઠી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાંઅભિનય કરનારા લોકપ્રિય અભિનેતા વિક્રમ ગોખલે છેલ્લા થોડા દિવસોથી બીમાર છે અને સારવાર ચાલી રહી છે. તેમનું અવસાન થયાનાં સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમના પત્ની અને પુત્રીએ અમંગળ અફવા ન ફેલાવવાની વિનંતી કરી છે. વિક્રમના પત્ની વૃષાલીએ જણાવ્યું હતું કે, તેઓ હજુ જીવંત છે પણ કોમામાં જતા રહ્યા છે. અત્યારે તેઓ વૅન્ટિલેટર પર છે અને ડૉકટરો પ્રયાસ કરી રહ્યા છે. પાંચમી નવેમ્બરથી વિક્રમને પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત સહેજ સારી થઈ હતી અને ફરી બીમારીએ ઉથલો માર્યો હતો. તેમને હૃદય, કિડની બંનેમાં તકલીફ હતી અને મલ્ટિ- ઓર્ગન ફેઈલ્યરનો શિકાર બન્યા હતા. 
હૉસ્પિટલના પ્રવકતાએ જણાવ્યું હતું કે, વિક્રમ ગોખલેના પરિવાર તથા ડૉકટરો વચ્ચે મિટિંગ થઈ હતી અને તેઓ હજુ જીવિત છે. પરંતુ તેમની સ્થિતિ ઘણી ગંભીર છે અને તેઓ વૅન્ટિલેટર પર છે. તેમના અવસાનના સમાચાર ખોટા છે. 
77 વર્ષના વિક્રમની એક દીકરી વિદેશમાં રહે છે. જે પિતાની સ્થિતિ વિશે જાણીને આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, મારા પિતાની સ્થિતિ ગંભીર છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેમના માટે પ્રાર્થના કરતા રહો.
26 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની ફિલ્મ પરવાનાથી વિક્રમે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તેમણે 40થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત મરાઠી ફિલ્મો અને નાટકના પણ તેઓ લોકપ્રિય કલાકાર છે. મરાઠી ફિલ્મ અનુમતિ માટે તેમને નેશનલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust