ખાદ્યતેલોના ભાવમાં વધુ ઘટાડો થશે

મુંબઈ, તા. 24 : આગામી મહિનાઓમાં ખાદ્યતેલોના ભાવમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે. કૃષિ મંત્રાલયના અધિકારી પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના ભાવ ઘટયા છે તેમ જ તેલીબિયાંનો પાક સારો આવવાની અપેક્ષાને પગલે આગામી સમયમાં ખાદ્યતેલોના ભાવમાં હજી વધુ ઘટાડો થવાનો અંદાજ છે. ગયા વર્ષની સરખામણીએ આયાતી પામ અૉઇલના ભાવમાં ટનદીઠ 37 ટકાનો ભાવ ઘટાડો થયો છે. ભાવ ઘટીને ટન દીઠ 910 ડૉલરના લેવલે પહોંચ્યા છે. જોકે, સોયાબીન અને સનફ્લાવરના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.
સરકારે ફૂડ પામ અૉઇલ, સોયાબીન અૉઇલ અને સનફ્લાવર અૉઇલ પરની ઇમ્પોર્ટ ડયૂટી નાબૂદ કરી છે. જોકે, પાંચ ટકા એગ્રાસેસ અને 10 ટકા સોશિયલ વેલ્ફર સેસને ગણતરીમાં લઈને આ ત્રણ અૉઇલ્સ પરની અસરકારક ડયૂટી 5.50 ટકા થાય છે. રાયડાના તેલના છૂટક ભાવ કિલો દીઠ 9 ટકા ઘટીને રૂા. 170 થયા છે.
જોકે, સીંગતેલના ભાવ 9 ટકા અને સોયાબીન તેલના ભાવ 2.50 ટકા વધ્યા છે.
રાયડા અને મગફળીનું રવી મોસમમાં વાવેતર 13 ટકા વધ્યું છે. આ બે તેલીબિયાંનું વાવેતર 59 લાખ હેક્ટરમાં થયું છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust