તાતા કન્ઝયુમર પ્રોડક્ટ્સ રૂા. 7000 કરોડમાં બિસલેરી એકવાયર કરશે

મુંબઈ, તા. 24 : તાતા  ગ્રુપની કંપની તાતા કન્ઝયુમર પ્રોડક્ટસ રૂા. 7000 કરોડમાં બિસલેરી ઇન્ટરનેશનલ હસ્તગત કરશે. જોકે, વર્તમાન મૅનેજમેન્ટ બે વર્ષના સમયગાળા માટે ચાલુ રહેશે. ભૂતકાળમાં બિસલેરી ઇન્ટરનેશનલને હસ્તગત કરવા માટે રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન વગેરે કંપનીઓએ અૉફર કરી હતી. બિસલેરી ભારતની સૌથી મોટી પૅકેજ્ડ વૉટર કંપની છે. પૅકેજ્ડ વૉટરની માર્કેટમાં કંપનીનો હિસ્સો 60 ટકા કરતાં વધુ છે.
બિસલેરીના અત્યારે 122 અૉપરેશનલ પ્લાન્ટ્સ છે એમાંથી 13 પ્લાન્ટ કંપનીની માલિકીના છે. ભારત અને પાડોશી દેશોમાં 4500 ડિસ્ટ્રિબ્યુટર્સ અને 5000 ટ્રકોનું નેટવર્ક છે.
1993માં પારલે ગ્રુપે થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ, લિમ્કાનું કોકાકોલાને વેચાણ કર્યું હતું.
રમેશ ચૌહાણે 1969માં ચાર લાખ રૂપિયામાં બિસલેરી ખરીદી હતી
બિસલેરી બ્રેન્ડનો ઇતિહાસ જોઇએ તો બિસલેરીની સ્થાપના ઇટાલિયન બિઝનેસમૅન, ઇન્વેસ્ટર, કેમિસ્ટ સિગ્નોર ફેલિસ બિસલેરી દ્વારા 20 નવેમ્બર 1851ના રોજ વેરોલાનુઓવામાં કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બર 2021ના રોજ ફેલિસ બિસલેરીનાં મૃત્યુ બાદ એમના મિત્ર ડૉ. રોસ્સી બિસલેરીના માલિક બન્યા હતા.
ડૉ. રોસ્સીના મિત્ર બિસલેરી કંપનીના લિગલ ઍડ્વાઇઝર હતા. એમના પુત્ર ખુશરો સનટુક પણ લોયર હતા. ભારતમાં બિસલેરીની સ્થાપના માટે એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1965માં ભારતમાં પ્રથમ બિસલેરી વૉટર પ્લાન્ટ થાણામાં સ્થાપ્યો હતો. ભારતમાં બિસલેરીનો પ્રવેશ બિસલેરી મિનરલ વૉટર અને બિસલેરી સોડા દ્વારા થયો હતો. ખુશરો સનટુક કંપની વેચી દેવા માગતા હતા. આ માહિતી પાર્લે ગ્રુપના ચૌહાણ ભાઈઓ પાસે પહોંચી હતી. બિસલેરી કંપનીનો પ્રારંભ થયાનાં ચાર વર્ષ બાદ 1969માં ચૌહાણ ભાઈઓએ આ કંપની ચાર લાખ રૂપિયામાં ખરીદી હતી. અત્યારે એનું વેચાણ રૂા. 7000 કરોડમાં થશે.
ચૌહાણ ભાઈઓએ બિસલેરી ખરીદી પછી એનું વિસ્તરણ ઝડપથી થયું. બિસલેરીની લોકપ્રિયતા અને વ્યાપમાં નોંધપાત્ર વધારો થયો. બિસલેરી પૅકેજ્ડ વૉટરની સૌથી મોટી અને સ્ટ્રોન્ગ બ્રેન્ડ બની ગઈ.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust