પ્રિવેન્શન અૉફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ ઍક્ટમાં 61 સુધારા

ઘૃણાસ્પદ ક્રૂરતા માટે ત્રણ અને હત્યા માટે પાંચ વર્ષની કેદનો પ્રસ્તાવ
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રએ પ્રિવેન્શન અૉફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ ઍક્ટ, 1960માં સુધારા કરવાની દરખાસ્ત મૂકી છે, જેમાં 61 સુધારા કરવામાં આવ્યા છે. જેમાં પ્રાણીઓ સાથે અત્યંત રૂર વર્તાવ કરનારને ત્રણ વરસની જેલની સજાનો સમાવેશ થાય છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રિવેન્શન અૉફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (અમેન્ડમેન્ટ) બિલ, 2022નો ડ્રાફ્ટ અંગે લોકોએ સાત ડિસેમ્બર સુધીમાં તેમના પ્રતિભાવ મોકલી આપવાના રહેશે. આ ડ્રાફ્ટ ફાઇનલ થયા બાદ સંસદના શિયાળુ કે બજેટ અધિવેશનમાં બિલ લાવી શકાશે.
કાયદાના મહત્ત્વના ફેરફારોમાં કડક સજાની જોગવાઈ સાથે કાયદો વધુ કડક બનાવવાની દરખાસ્ત છે. કેટલાક ગુનાઓમાં અપરાધીની વૉરન્ટ વગર પણ ધરપકડ કરી શકાશે. સુધારિત બિલમાં ભયાનક ક્રૂરતાની નવી કલમ હેઠળ પશુત્વને એક ગુનો ગણવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ડ્રાફ્ટમાં ભયાનક ક્રૂરતા માટે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધી કે પ્રાણીની કિંમતમાંથી જે વધુ હોય અથવા એકથી ત્રણ વરસની કેદ કે બંને સજા સાથે થઈ શકે છે. તો પ્રાણીની હત્યા કરનારને વધુમાં વધુ પાંચ વરસની કેદની સજા કરવાનો પ્રસ્તાવ છે.  
અત્યારના પીસીએ ઍક્ટ હેઠળ પહેલીવારના અપરાધ માટે 10-50 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. અને જો એણે ત્રણ વરસમાં એકથી વધુવાર ગુનો કર્યો હોય તો એની મહત્તમ સજા 25થી 100 રૂપિયા જેટલો દંડ કે ત્રણ મહિનાની જેલ અથવા બંને હોઈ શકે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust