મોરબી દુર્ઘટનાના મૃતકોને 10 લાખનું વળતર આપો : હાઈ કોર્ટ

મોરબી દુર્ઘટનાના મૃતકોને 10 લાખનું વળતર આપો : હાઈ કોર્ટ
તમામ પુલના સર્વે રિપોર્ટ 10 દિવસમાં આપવા સરકારને આદેશ
અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : મોરબીના ઝૂલતા પૂલે 135 લોકોનો ભોગ લીધો હતો અને ગુજરાત હોઇકોર્ટે સુઓમોટો કરીને સમગ્ર ઘટનાને પોતાને હસ્તક લીધી છે ત્યારે આ કેસની આજે વધુ સૂનાવણી થઇ હતી.જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરતા કહ્યુ કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને 50 હજાર અને મૃતકોના પરિવારજનોને આપવામાં આવેલું 4 લાખ વળતર ઓછું છે અને તે 4 લાખને બદલે રૂા.10-10 લાખ હોવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનાને ગંભીરતાથી લઈને તમામ પુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે તમામ પુલ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે તમામ બ્રિજના સર્વેના રિપોર્ટને 10 દિવસમાં રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.  
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા મોરબી નગરપાલિકા તરફથી દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. હાઈકોર્ટ જણાવ્યું હતું કે, તમે 2017થી 2022 સુધી શું કર્યુ?, પુલ માર્ચ 2022માં બંધ કરાયો તે પહેલા શું કર્યુ? તેમજ આજે હાઈકોર્ટે એ પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે ઓરેવા ગ્રુપના કોઈ સંચાલકનું નામ એફઆઈઆરમાં નથી સરકાર શું છુપાવવા માંગે છે. આ દરમિયાન દલીલ કરતા વકીલ વ્યાસે જણાવ્યું હતું કે, કોઈએ બ્રિજ ચલાવવાની મંજૂરી આપી નહોતી. જેના પર પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે, તો તમે એને અટકાવવા માટે કશું જ ન કર્યુ, નિક્રીયતા શા માટે દાખવી? વધુમાં હાઈકોર્ટે સિટનો કોઈ રિપોર્ટ આવ્યો હોય તો સીલ બંધ કવરમાં તેમજ બ્રિજ સાથે સંકળાયેલી તમામ ફાઈલો કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો..  
રાજય સરકારે તેના જવાબમાં જણાવ્યું કે જે સાત બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેમને રૂા.37 લાખનું વળતર ચૂકવાયુ છે અને હાઈકોર્ટને સંતોષ થયો નથી અને દશ દિવસમાં તેના એકશન ટેકન રીપોર્ટ સહિત હાજર થવા જણાવ્યુ હતું અને હવે સૌથી મહત્વનું ઓરેવા ગ્રુપ સામે પગલા લેવાની ફરજ પડશે તે નક્કી છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust