રાજ્યપાલને હટાવવાની માગણી સાથે મહારાષ્ટ્ર બંધની ઉદ્ધવ ઠાકરેની ચીમકી

રાજ્યપાલને હટાવવાની માગણી સાથે મહારાષ્ટ્ર બંધની ઉદ્ધવ ઠાકરેની ચીમકી
મુંબઈ, તા. 24 : શિવસેના (ઉ.બા.ઠ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે કે રાજ્યપાલને પદ ઉપરથી હટાવવામાં આવે નહીં તો બે-ચાર દિવસની અંદર મહારાષ્ટ્રમાં જન આંદોલન શરૂ થશે અને મહારાષ્ટ્ર બંધ કરાશે. તેઓ રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરેલા નિવેદન બાદ રોષે ભરાયા હતા. તેમણે આ નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિંદે સરકાર આવ્યા બાદ મહારાષ્ટ્રનું સતત અપમાન થઇ રહ્યું છે તેની પાછળ કોણ છે? કર્ણાટકના મુખ્ય પ્રધાને ફરી મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. તેમના શરીરમાં ભૂત આવ્યું હોય તેમ જણાય છે. તેમ છતાં મહારાષ્ટ્રની પ્રતિક્રિયા અને ઉણૂં વલણ જોવા મળી રહ્યું છે. શું આ તમામ વાત પાછળ કેન્દ્રનો આશીર્વાદ છે ? રાજ્યપાલ કોશિયારીને તેમના પદ ઉપરથી નહીં હટાવવામાં આવે તો બે-ચાર દિવસમાં મહારાષ્ટ્ર બંધ થશે. 
સુપ્રીમ કોર્ટમાંના ન્યાયાધીશે જણાવ્યું છે કે આ દેશમાં ટી એન શેષણ જેવા મુખ્ય ચૂંટણી કમિશનર લાવવાની જરૂર છે જે કોઇના દબાણમાં આવતા નથી. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂકની પ્રક્રિયા પારદર્શક કરવાની વાત જણાવી છે. સાથે જ અમારી માગણી છે કે રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા થવી જોઇએ. તે પદની ગરિમા છે. રાજ્યપાલની નિમણૂક સંબંધિત યોગ્યતા હોવી જોઇએ. 
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સતત અપમાન ઉપર સ્ટેન્ડ લેવાની જરૂર છે. બે ચાર દિવસમાં રાજ્યપાલનું પાર્સલ એમેઝોનથી આવ્યું છે. તેને પાછું મોકલવું પડશે. રાજ્યપાલે શિવાજી મહારાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે શિવાજી મહારાજને જૂના આદર્શ ગણાવ્યા છે. બાપ બાપ હોય છે જેને જૂના કે નવા ગણવા ન જોઇએ. તેમણે આ અગાઉ ફૂલે દંપતીનું પણ અપમાન કર્યું હતું. તેઓ મહારાષ્ટ્રની અસ્મિતા સાથે રમી રહ્યા છે. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust