24 કલાકમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેમ ?

24 કલાકમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેમ ?
કેન્દ્ર સરકારે અરુણ ગોયલની ફાઇલ સોંપ્યા બાદ સુપ્રીમ કોર્ટનો સવાલ
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્ર સરકારે ગુરુવારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂકની અસલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી હતી. સર્વોચ્ચ અદાલતે એવો સવાલ કર્યો હતો કે, માત્ર 24 કલાકમાં જ ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયા કેમ પૂરી થઇ ગઇ ? સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, ચૂંટણી કમિશનરની નિમણૂકની ફાઇલ વીજળી વેગે મંજૂર થઇ ગઇ. આ કેવું મૂલ્યાંકન છે ? સવાલ તેમની યોગ્યતા પર નથી. અમે નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઊઠાવી રહ્યા છીએ.
બંધારણીય પીઠ સામે લાંબી દલીલના અંતે ન્યાયમૂર્તિઓ કે.એમ. જોસેફ, અજય રસ્તોગી,  અનિરૂદ્ધ બોસ, હૃષિકેશ રોય અને સી.ટી. રવિકુમારની ખંડપીઠે ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.
બંધારણીય ખંડપીઠે તમામ પક્ષકારોને લેખિતમાં દલીલો આપવા માટે પાંચ દિવસની મુદ્ત આપી છે.
આજે સુનાવણી દરમ્યાન ટોચની અદાલતે એવા પ્રશ્નો પૂછયા હતા કે, વીજળીની ગતિ સાથે ચૂંટણી કમિશનરની નિમણૂક કેમ, માત્ર 24 કલાકમાં આખી પ્રક્રિયા કેમ પૂરી કરી લેવાઇ ?
કયા આધાર પર કાયદા મંત્રીએ અંતિમ ચાર નામો તારવીને પસંદ કર્યાં. તેવો સવાલ પણ સુપ્રીમ કોર્ટે સરકારને કર્યો હતો.
આ સવાલોના જવાબ પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, નિયત થયેલા નિયમો હેઠળ?જ નિયુક્તિ કરાઇ છે. જો કે, નિયુકિતની પ્રક્રિયા પર સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ થઇ નથી.
પાંચ દિવસની મુદ્ત અપાઇ છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક પદ્ધતિથી નિમણૂક માટે એક સ્વતંત્ર પેનલ રચવી કે નહીં. કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને ફાઇલો સોંપી હતી.
વેંકટરમણીએ પૂરી પ્રક્રિયા પર વિસ્તાર સાથે અદાલતને જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કાયદા મંત્રાલય જ સંભવિત ઉમેદવારોની યાદી બનાવે છે. ત્યાર બાદ સૌથી યોગ્ય ઉમેદવાર પસંદ કરાય છે. આ પ્રક્રિયામાં  ખુદ વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust