• શનિવાર, 25 માર્ચ, 2023

રણબીરે ફી લીધા વિના તું જૂઠી મૈં મક્કાર કરી હોવા છતાં ફિલ્મનું બજેટ 200 કરોડ કેવી રીતે?  

રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તું જૂઠી મૈં મક્કાર બૉક્સ અૉફિસ પર જોરદાર પરફૉર્મ કરી રહી છે, પણ એ સાથે જ તેના વિશે નકારાત્મક પબ્લિસિટી થઈ રહી છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, રણબીર કપૂરે આ ફિલ્મ માટે પોતાની ફી ચાર્જ કરી નથી, કેમ કે નિર્માતા-દિગ્દર્શક લવ રંજનની આર્થિક સ્થિતિ છેલ્લા ચાર વર્ષથી સારી નથી. જોકે, આ સમાચાર આવ્યા પછી નેટિઝન્સે ફિલ્મ અને રણબીરને ટ્રૉલ કરવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે, જો રણબીરે પોતાની ફી લીધી ન હોય તો પછી ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા પર કેવી રીતે પહોંચી ગયું? 

માત્ર છ દિવસમાં જ તું જૂઠી મૈં મક્કારે ટિકિટબારી પર પંચોતર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને હાલમાં જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે, જેમાં ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક લવ રંજન કહી રહ્યા છે કે, ફિલ્મ માટે રણબીરે એક પાઈ પણ ચાર્જ કરી નથી. જોકે, ફિલ્મના બજેટને લઈને શરૂઆતથી જ ચર્ચા છે. શરૂઆતમાં આવેલા અહેવાલો મુજબ, ફિલ્મનું બજેટ 70-75 કરોડ છે. તો, આગળ જતાં એવા રિપોર્ટ્સ હતા કે, દોઢસો કરોડ પ્લસના બજેટમાં ફિલ્મ બની છે. તો છેલ્લે નિર્માતા ભૂષણકુમારે (ટી-સિરીઝ) જણાવ્યપું હતું કે, બજેટનો પનો 200 કરોડની આસપાસ પહોંચ્યો છે. હવે, આ જુદા-જુદા દાવાઓને લઈને ઈન્ટરનેટ પર લોકો ફિલ્મની મજાક ઊડાડી રહ્યા છે. ફિલ્મ માટે રણબીરે ફી લીધી ન હોય તો 200 કરોડનું બજેટ ક્યાં ખર્ચાયું? શું સંગીતકાર પ્રીતમે વધુ પૈસા લીધા કે પછી શ્રદ્ધા કપૂરનું મહેનતાણું વધુ છે? જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા લોકો તરફથી આવી રહેલી જુદી-જુદી બાબતોને લઈને લોકો મજાક ઊડાડી રહ્યા છે.