બૉલીવૂડના કલાકારો ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા આતુર હોય છે અને તેની ફિલ્મમાં નાનકડી ભૂમિકા મળે તો પણ પોતાના સદનસીબ સમજતા હોય છે. પરંતુ વીતેલા જમાનાની અભિનેત્રી રીના રોયે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં અભિનય કરવાની ના પાડી દીધી હતી.
રીનાએ જણાવ્યું હતું કે, મને સંજયની સિરીઝ હીરામંડીમાં કામ કરવાની ઓફર મળી હતી. પરંતુ તે ભૂમિકા બિનમહત્ત્વની હતી. મારે માત્ર મુજરો કરીને નીકળી જવાનું હતું. મારું પાત્ર કયાંથી આવ્યું અને તે કોઠા પર કઈ રીતે પહોંચ્યું તે વિશે કશી વાર્તા જ નથી. મારા પાત્રની પશ્ચાદ્વાર્તા ન હોવાથી મેં ખેદ સાથે ભણસાલીની ઓફર નકારી.
1970 અને 1980ના દાયકામાં કાલીચરણ, જૈસે કો તૈસા, નાગિન, અપનાપન, આશા જેવી ફિલ્મોમાં અભિનય કરીને સૌના હૃદયમાં સ્થાન મેળવનારી અભિનેત્રી રીનાએ કહ્યું હતું કે, મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે અને તેને મારી હાજરીની સતત જરૂર નથી. આથી હું ફરી કામ કરી શકીશ. મેં દીકરી માટે જ કામ કરવાનું છોડી દીધું હતું. એવું નથી કે મેં નાની ભૂમિકાઓ નથી કરી. ફિલ્મ રૉકી જે સંજય દત્તની પ્રથમ ફિલ્મ હતી તેમાં મારી ભૂમિકા સાવ નાની જ હતી. હું તવાયફ હતી, પરંતુ મારો ભૂતકાળ ખલનાયક રણજીત સાથે જોડાયેલો હતો અને તે અસકારક ભૂમિકા હતી. અદ્ધરતાલ પાત્ર ભજવવા હું કઈ રીતે તૈયાર થાઉં?