• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

અભિનેતા નિતેશ પાંડેનું હાર્ટ ઍટેકથી અવસાન  

ટીવી અને ફિલ્મોના જાણીતા કલાકાર નિતેશ પાંડેનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારથી આઘાતમાં રહેલો ટીવીઉદ્યોગ નિતેશની વિદાયથી અત્યંત દુ:ખી થયો છે. નાસિક પાસે આવેલા ઈગતપુરીમાં આવેલી એક હોટેલમાં રાતના નિતેશ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યો હતો. માત્ર એકાવન વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર નિતેશના પરિવારમાં પત્ની અને પુત્ર છે. 

થોડા દિવસો અગાઉ જ અનુપમા સિરિયલમાં અનુપમાની મિત્ર દેવિકાના પતિ ધીરજ કપૂરની ભૂમિકા નિતેશે ભજવી હતી. આ વિશે વાત કરતાં રૂપાલી ગાંગુલીએ ઝણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં જવાનું હતું ત્યારે અમારી વાતચીત થઈ હતી અને મેં તેને કહ્યું હતું કે, હું તને જલદીથી મળીશ, પરંતુ ત્યારે ખબર નહોતી કે હું તેને ક્યારેય મળી શકીશ નહીં. તેનો અને મારો દીકરો સમાન વયના છે. આથી અમે તે બંનેનો પરિચય કરાવવાનું વિચારતા હતા. 

નિતેશનો જન્મ 17મી જાન્યુઆરી, 1973એ થયો હતો. તેણે ફિલ્મો અને ટીવીમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવીને પોતાની આગવી ઓળખ બનાવી હતી. ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં નિતેશ શાહરુખ ખાનના આસિસ્ટન્ટના પાત્રમાં હતો. આ જ સમયે તે ટીવી સિરિયલ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. 1998માં તેણે અશ્વિની કાલેસકર સાથે લગ્ન કર્યા હતા અને 2002માં બંને છૂટાં પડયાં હતાં. બાદમાં તેણે અભિનેત્રી અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યા અને એક દીકરાનો પિતા બન્યો હતો.