• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આથિયા - રાહુલનું રિસેપ્શન આઈપીએલ પછી  

સુનીલ શેટ્ટીનાં પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલ લગ્નબંધનમાં બંધાયા. તેમના ચાહકો આતુરતાથી રિસેપ્શનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ નવદંપતીનું રિસેપ્શન આઈપીએલ પછી જ યોજાશે અને તેઓ હનીમૂન પર પણ ત્યાર પછી જ જશે. આથિયા અને રાહુલે વ્યસ્ત શિડયુલને લીધે હનીમૂન રદ્દ કર્યું છે. આથિયાએ તાજેતરમાં જપોતાની યુટયુબ ચૅનલ શરૂ કરી છે અને રાહુલ નવમી ફેબ્રુઆરીથી શરૂ થનારી બૉર્ડર - ગાવસ્કર ટ્રૉફી મૅચ માટે પ્રેકટિસનું આયોજન કરી રહ્યો છે. આથી બંને પાસે રિસેપ્શન કે હનીમૂન માટે સમય નથી. 

છેલ્લાં એક વર્ષથી સુનીલ દીકરીનાં લગ્નની તૈયારી કરતો હતો. લગ્ન બાદ તે મીડિયાને મળવા પહોંચ્યો હતો અને સસરા બની ગયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, પરિવારજનોની હાજરીમાં નાનકડું ફંકશન રાખ્યું હતું.  મને આનંદ થયો છે. મને જમાઈ નથી મળ્યો પરંતુ દીકરો મળ્યો છે. હું પિતા તરીકે દીકરાનું પરિવારમાં સ્વાગત કરું છું. આઈપીએલ માર્ચ મહિનામાં શરૂ થશે અને પહેલી જૂને પૂરી થશે. ત્યાર બાદ રિસેપ્શન રાખવામાં આવશે. 

દરમિયાન આથિયાએ પહેરેલા અૉલ્ડ રૉઝ ગૉલ્ડ લ્હેંગાની પ્રશંસા થઈ રહી છે. જરદોશી વર્ક ધરાવતો આ લ્હેંગો તૈયાર થતાં દસ હજાર કલાકનો સમય લાગ્યો હતો. લ્હેંગો પહેરીને ચાલવામાં સરળતા રહે તે માટે તેણે લ્હેંગામાં `કેન કેન' મૂકાવ્યું નહોતું. જોકે, આથિયા અને રાહુલે વેડિંગ ડ્રેસમાં વિરાટ કોહલી અને અનુશ્કા શર્માની નકલ કરી હોવાની ચર્ચા પણ ચાલે છે. છતાં આ નવદંપતી ખૂબ જ સુંદર દેખાતું હતું. લગ્ન બાદ રાખવામાં આવેલી પાર્ટીમાં આથિયા લાલ રંગના શરારામાં ખૂબ જ સોહામણી દેખાતી હતી.