રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજદરોમાં 0.05થી 0.25 ટકા સુધીનો વધારો કર્યો
મુંબઈ, તા. 15 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)એ આજથી અમલમાં આવે તે રીતે તેના માર્જિનલ કોસ્ટ અૉફ લૅન્ડિંગ રેટ (એમસીએલઆર)માં 0.10 ટકાનો વધારો જાહેર કર્યે છે.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા બૅન્ક એસબીઆઈ દ્વારા આ નિર્ણય આરબીઆઇએ રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કરવાના લેવામાં આવેલા નિર્ણયના પગલે જાહેર કર્યો હતો. આરબીઆઇની એમપીસી દ્વારા પાછલી સમીક્ષા બેઠકમાં રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મધ્યસ્થ બૅન્ક આરબીઆઈ દ્વારા મે, 2022 પછી અત્યાર સુધીમાં કુલ 250 બેઝિસ પોઈન્ટ્સ અથવા 2.50 ટકાનો વધારો ધિરાણદરોમાં કરવામાં આવ્યો છે. વધતા વૈશ્વિક અને સ્થાનિક ફુગાવા સામે દેશના અર્થતંત્રને સુરક્ષિત રાખવાના હેતુથી આરબીઆઈએ ધિરાણદરોમાં તબક્કાવાર વધારો કર્યો છે.
એસબીઆઈની વેબસાઇટ મુજબ ઓવર નાઈટ એમસીએલઆર હવે 7.95 ટકા, એક અને ત્રણ માસના એમસીએલઆર 8.10 ટકા અને છ માસના એમસીએલઆર માટે હવે એમસીએલઆર 8.40 ટકા થયો છે.
જ્યારે, એક વર્ષના એમસીએલઆર વધીને 8.50 ટકા, બે વર્ષના એમસીએલઆર 8.60 ટકા અને ત્રણ વર્ષના એમસીએલઆર વધીને 8.70 ટકા થયા છે.
બીજી તરફ એસબીઆઈએ સ્થાનિક રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજદરોમાં 0.05થી 0.25 ટકા સુધીનો વધારો થાપણોની માત્રા અને સમયમર્યાદાના આધારે કર્યા છે.
વ્યાજદરોમાં સતત વધારો થવા છતાં બૅન્કો દ્વારા ધિરાણ વિતરણમાં સતત વૃદ્ધિ નોંધાઈ છે. તાજા આંકડા અનુસાર જાન્યુઆરી, 2023ના રોજ પૂરાં થયેલા પખવાડિયામાં ધિરાણ વિતરણમાં 16.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે સમગ્ર નાણાં વર્ષ 2023માં ધિરાણ વિતરણનો વૃદ્ધિ દર 12.2 ટકા રહ્યો હતો. છૂટક લૉનની સતત માગ, નોન બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓનો મજબૂત દેખાવ અને ફુગાવાના કારણે કાર્યકારી મૂડીની સતત માગ રહેવાના કારણે બૅન્કો દ્વારા અપાતી લૉનમાં વૃદ્ધિ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.