ટૉયેટા અને સુઝુકી મોટર્સે એકમો બેમુદત બંધ કર્યા બાદ હોન્ડાએ નિર્ણય જાહેર કર્યે
નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ) : આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનમાંથી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગૂંગળામણનો અનુભવ કરી રહી છે. પુરવઠા વ્યવસ્થામાં શરૂ થયેલા અવરોધનું મુખ્ય કારણ આપી જપાનની અગ્રણી કાર ઉત્પાદક કંપની હોન્ડાએ પાકિસ્તાનમાં ઉત્પાદન એકમ બંધ કરવાની ઘોષણા કરી છે. પાકિસ્તાનમાં વર્તમાન આર્થિક સંકટના કારણે હોન્ડા એટલાસ કાર્સે તેમના એસેમ્બલી એકમને 9થી 31 માર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કાર ઉત્પાદક કંપનીએ આજે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે પુરવઠા ચેઈન ખોરવાઈ જવાના કારણે કંપની કારનું ઉત્પાદન કરી શકે તેવી સ્થિતિમાં નથી અને આ મહિનાના બાકીના દિવસો પૂરતું ઉત્પાદન બંધ રાખશે.
જીઓ ન્યૂઝના અહેવાલ અનુસાર કંપનીએ પાકિસ્તાન શૅરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે પુરવઠા ચેઈન ખોરવાઈ જવાના કારણે ઉત્પાદનને માઠી અસર પડી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીકેડી (કમ્પલિટલી નૉક ડાઉન) કીટની આયાત માટે લેટર અૉફ ક્રેડિટ (એલસી) ખોલવા ઉપર તેમજ કાચા માલની આયાત ઉપર પાકિસ્તાન સરકાર દ્વારા લાદવામાં આવેલા આકરા નિયંત્રણો અને વિદેશી પેમેન્ટ્સ અટકાવવામાં આવતા હોવાથી કંપનીની સપ્લાય ચેઈનને માઠી અસર પડી હોવાથી પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કંપનીએ તમામ કારણો રજૂ કરતાં જણાવ્યું હતું.
આ અગાઉ પાક સૂઝુકી મોટર કંપની (પીએસએમસી) અને ટૉયેટા બ્રાન્ડની એસેમ્બલિંગ કંપની ઇન્ડસ મોટર કંપની (આઈએમસી)એ તેમના પાકિસ્તાન સ્થિત તમામ ઉત્પાદન એકમો બંધ કરવાનો નિર્ણય લીધો હતે.