• શનિવાર, 25 માર્ચ, 2023

ચોમેર વેચવાલીનો વાયરો : સૂચકાંકોમાં કડાકો  

બૅન્કિંગ, આઈટી, અૉઇલ શૅર્સ પટકાયા 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : વૈશ્વિક બજારોની નબળાઈને કારણે શુક્રવારે સ્થાનિક બજારોમાં ભારે વેચવાલી નીકળતાં સેન્સેક્ષ અને નિફ્ટી એક ટકાથી વધુ ઘટયા હતા. સેન્સેક્ષ 30 શૅર ઇન્ડેક્ષ 671.15 પોઇન્ટ્સ અથવા 1.12 ટકા ઘટીને 59,135.13 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 શૅર ઇન્ડેક્સ 176.70 પોઇન્ટ અથવા એક ટકો તૂટીને 17,412.90 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

શુક્રવારે આઈટી, ફાઇનાન્સિયલ અને અૉઇલના શૅરમાં ભારે વેચવાલી હતી. સેન્સેક્ષ 30 શૅર્સ ઇન્ડેક્સમાં 21 શૅર અને નિફ્ટીના 50માંથી 35 શૅરના ભાવ તૂટયા હતા.

સેન્સેક્ષના શૅરોમાં મુખ્યત્વે એચડીએફસી બૅન્ક સૌથી વધુ 2.58 ટકા ઘટયો હતો. ત્યાર બાદ એસબીઆઈ 2.12 ટકા, એચડીએફસી 2.09 ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 2.02 ટકા ઘટયા હતા. આ ઉપરાંત એક્સિસ બૅન્ક, બજાજ ફિનસર્વ, એમઍન્ડએમ, એલઍન્ડટી, રિલાયન્સ, ઇન્ફોસિસ અને ટીસીએસના ભાવ ઘટયા હતા.

જ્યારે તાતા મોટર્સ, મારુતિ, એનટીપીસી, સન ફાર્મા, પાવરગ્રીડ અને ટાઇટનના ભાવ વધ્યા હતા.

ગઈકાલે અમેરિકન બજારો ઘટયા બાદ આજે એશિયન બજારો પણ ઘટયાં હતાં. તેને અનુસરીને સ્થાનિકમાં ફાઇનાન્સિયલ, બૅન્કિંગ, આઈટી અને કેપિટલ ગુડ્ઝના શૅરોમાં ભારે વેચવાલી થઈ હતી. અમેરિકા સ્થિત સિલિકોન વેલી બૅન્ક (એસવીબી) જે નવા સ્ટાર્ટ અપને લોન આપે છે તેના શૅરના ભાવ 60 ટકા તૂટતાં અમેરિકન બજારોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વધતાં જતાં વ્યાજદરને પગલે લોનની પુન:ચુકવણીમાં ઘણા નિષ્ફળ જશે તેવી ચિંતાને કારણે બૅન્કિંગના શૅરો તૂટયા હતા, એમ જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસના વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું.

ધિરાણદર વધવાની આશંકા અને અમેરિકાના રોજગારના આંકડાઓ જાહેર થવા પહેલાં વૈશ્વિક બજારો ઘટયાં હતાં.

અમેરિકાની ફેડરલ બૅન્ક વધુ આક્રમકતાથી ધિરાણદર વધારશે તેવી ભીતિને કારણે વૈશ્વિક બજારો અત્યંત સાવચેત હતાં. અમેરિકન બજારોમાંથી મળતાં નકારાત્મક સંકેતો અને અમેરિકાની બેરોજગારીના અને નોનફાર્મ પેરોલ ડેટા જાહેર થવાના હોવાથી બજારની મંદી ઘેરી બની હોવાનું જિયોજિત ફાઇનાન્સિયલના વિનોદ નાયરે જણાવ્યું હતું.

ગુરુવારે અમેરિકામાં એસઍન્ડપી 500 1.8 ટકા ઘટયો હતો જ્યારે ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.7 ટકા અને નાસ્દાક કોમ્પોઝિટ 2.1 ટકા ઘટયો હતો. ફેડરલ રિઝર્વ બૅન્ક ફુગાવા સામેની લડાઈમાં વધુ આક્રમક બનીને ધાર્યા કરતાં વધુ ધિરાણદર વધારશે તેની રોકાણકારોને ચિંતા હતી. ગુરુવારે એફઆઈઆઈએ રૂા.561.78 કરોડના શૅરની ચોખ્ખી વેચવાલી કરી હતી.