• શનિવાર, 25 માર્ચ, 2023

તાતા ગ્રુપ બે દાયકા પછી આઈપીઓ લાવશે  

મુંબઈ, તા. 10 : તાતા મોટર્સની પેટાકંપની તાતા ટેક્નૉલૉજીસ જાહેર ભરણા માટે આગળ વધી રહી છે. આઈટી અગ્રણી તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ વર્ષ 2004માં આઈપીઓ લાવનારી તાતા ગ્રુપની છેલ્લી કંપની હતી. હવે લગભગ બે દાયકા પછી તાતા ટેક્નૉલોજીસ તેનું નસીબ અજમાવશે.  પુણે સ્થિત તાતા ટેક્નોલૉજીસના આઈપીઓમાં 9.57 કરોડ જેટલા શૅરના વેચાણની અૉફરનો સમાવેશ થાય છે, જે તેની પેઈડ-અપ શૅર મૂડીના 23.60 ટકા જેટલા છે. કંપની આ આઈપીઓ દ્વારા રૂા. 4000 કરોડ એકત્ર કરવા ધારે છે. 

વેચાણ માટેની અૉફરમાં તાતા મોટર્સ દ્વારા 8.11 કરોડ ઇક્વિટી શૅર્સ, આલ્ફા ટીસી હૉલ્ડિંગ્સ પીટીઈ લિ. દ્વારા 97.1 લાખ શૅર્સ અને તાતા કૅપિટલ ગ્રોથ ફંડ 1 દ્વારા 48.6 લાખ જેટલા શૅરનો સમાવેશ થાય છે. આ દરેક અનુક્રમે 20 ટકા, 2.40 ટકા અને 1.20 ટકા સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, જે તાતા ટેક્નૉલૉજીસની પેઈડ-અપ શૅર મૂડીના અનુક્રમે છે. આ સંપૂર્ણ અૉફર ફોર સેલ છે. જેએમ ફાઈનાન્શિયલ લિ., સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રા. અને બોફા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિ. શૅરના વેચાણનું સંચાલન કરશે. 

તાતા ટેક્નૉલૉજીસ વૈશ્વિક ક્લાયન્ટ્સને એન્જિનિયારિંગ સર્વિસીસ પૂરી પાડે છે જેમાં ઉત્પાદન વિકાસ અને ડિજિટલ સહાયનો સમાવેશ થાય છે. કેટલાક મુખ્ય ક્ષેત્રો જેમાં તે સેવા આપે છે તેમાં અૉટોમોબાઈલ, ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, એરોસ્પેસ, પરિવહન અને બાંધકામનો સમાવેશ છે. 

ડિસેમ્બર, 2022 અને  ડિસેમ્બર, 2021ના પૂરા થયેલા નવ મહિનાના સમયગાળા માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂા. 3011.79 કરોડ અને રૂા. 2607.3 કરોડ હતી. તેની કર્મચારીઓની સંખ્યા (પૂર્ણ સમય અને કરારબદ્ધ કર્મચારીઓ બંને) 31 માર્ચ, 2020 ના રોજ 8620થી વધીને 31 ડિસેમ્બર, 2022માં 11,081 થઈ હતી. વોરેન હેરિસના નેતૃત્વ હેઠળની તાતા ટેક્નૉલૉજીસ એન્જિનિયારિંગ અને પ્રૉડક્ટ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. વર્ષ 2021 માટે તેનો વૈશ્વિક ઈજનેરી સંશોધન અને વિકાસ (ઈઆરઍન્ડડી) ખર્ચ આશરે 1.64 લાખ કરોડ ડૉલરનો હતો. આ ખર્ચ 2025 સુધીમાં વધીને 2.28-2.33 લાખ કરોડ ડૉલર થવાની ધારણા છે.