• શનિવાર, 25 માર્ચ, 2023

એ.સી., કૂલર અને ફ્રીઝનાં વેચાણ વધ્યાં

ખ્યાતિ જોશી તરફથી 

સુરત, તા. 12 : હોળીના તહેવાર બાદથી વાતાવરણમાં ગરમાવો આવવાનો શરૂ થયો છે. ઉનાળો આવતા જ દર વર્ષની માફક ઠંડક આપતી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના વેચાણમાં ઉછાળો નોંધાયો છે. ઍરકન્ડિશનર, કૂલર, રેફ્રિજરેટરનું વેચાણ વધ્યું છે. ઈલેક્ટ્રોનિક ઉત્પાદન વેચનાર વિક્રેતાઓને પાછલાં બે વર્ષની સરખામણીએ સારા વેચાણની અપેક્ષા છે. જો કે ખરીદી માટે ખિસ્સા વધુ હળવા કરવા પડે તેમ છે.  

પાછલાં ત્રણ વર્ષમાં એ.સી., રેફ્રિજરેટર, કૂલરની ડિમાન્ડ વધી છે એ સાથે એ.સી., કૂલર અને રેફ્રિજરેટરના ભાવમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. તમામ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા કાચામાલની કિંમતો અને ટ્રાન્સપોર્ટેશન કિંમત વધતા અંતિમ ઉત્પાદનોના ભાવ વધ્યા છે.  

નવીન ઈલેક્ટ્રોનિકનાં મૅનેજર સંગીતાબેન મોદી જણાવે છે કે ગરમીથી ત્રસ્ત લોકોને હવે એ.સી., રેફ્રિજરેટરની દુકાન દેખાઈ રહી છે. શહેરમાં 38થી 40 ડિગ્રી ગરમીથી બચવા માટે લોકો આ વર્ષે એ.સી., રેફ્રિજરેટર અને કૂલરની ખરીદી કરી રહ્યા છે. લગભગ બે વર્ષ બાદ એ.સી.નું વેચાણમાં વધારો નોંધાયો છે. હપ્તા સિસ્ટમના લીધે ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક આઈટમો ખરીદવાનું વધુ સરળ બન્યું છે, જેથી મધ્યમ વર્ગીય ગ્રાહકો પણ ઊંચી કિંમતના મોડલની ખરીદી કરતા થયા છે. લોકો નવી ટેક્નોલૉજી સાથેના વધુ ફીચરવાળા એ.સી.ની ડિમાન્ડ કરી રહ્યા છે. વાઈફાઈ મોડ સાથે વીજબચત થાય તેવા ફાઈવ સ્ટાર રેટિંગના એ.સી.ના વેચાણ વધુ થાય છે.  

અડાજણ ક્રોમા સેન્ટરના મૅનેજર પ્રવીણ મકવાણા જણાવે છે કે માર્ચથી મે મહિના દરમિયાન એ.સી. કૂલરના વેચાણમાં વધારો જોવા મળશે. ગરમીને લઈને એક મહિના પહેલાં એ.સી. અને ફ્રીજનો સ્ટૉક મંગાવી રાખ્યો છે. એ.સી.માં નવી સિસ્ટમ અપડેટ આવવાથી ભાવોમાં વધારો થયો છે. આ વર્ષે ઈલેક્ટ્રોનિક સાધનોનું વેચાણ ખૂબ સારું રહેશે. 

કૌશલ વિશાલ ઈલેક્ટ્રોનિકના જયેશભાઈ શાહે જણાવ્યું હતું કે પેનાસોનિક કંપનીએ એ.સી.ના વેચાણમાં રેકોર્ડ બનાવ્યો છે. 2019ની સરખામણીમાં માર્ચથી મે મહિના સુધી વેચાણ સારું રહેશે. એ જ રીતે તાતા જૂથની કંપનીના વોલ્ટાસના કાલિંગ ઉત્પાદનોના વેચાણમાં 3 ગણો ઉછાળો આવ્યો છે. સુરત શહેરમાં મોટા ભાગના ખરીદદારો ફાઈવ સ્ટાર એ.સી.ની ખરીદી કરી રહ્યા છે. એ.સી.ના સારામાં સારા ફીચર સાથેના દરેક મોડલ રૂપિયા 30 હજારથી લઈને રૂપિયા 70 હજાર સુધીમાં મળી રહે છે. કૂલર મશીન રૂપિયા 6 હજારથી લઈને 30 હજાર સુધીના વેચાણ થઈ રહ્યા છે.