ડી. કે. તરફથી
મુંબઈ, તા. 12 : યુક્રેન પરના હુમલા બાદ અમેરિકાએ રશિયા ઉપર ક્રૂડતેલના કારોબારને મામલે લાદેલાં નિયંત્રણો અમેરિકા માટે જ સમસ્યા બની રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ભારત, ચીન અને અખાતી દેશોએ રશિયા પાસેથી ખરીદેલા ક્રૂડતેલનું ચુકવણું રૂપિયા, રૂબલ, દિરહામ કે યુઆનમાં કરવાનું શરૂ કરતા ક્રૂડતેલના વૈશ્વિક કારોબારમાં છેલ્લા ઘણા દાયકાઓથી ડોલરનો જે દબદબો હતો તે ઘટી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં છેલ્લા ઘણા દાયકાઓથી ક્રૂડતેલના સોદાઓનાં પેમેન્ટ ડોલરમાં જ થતાં હતાં, પરંતુ હવે રશિયાએ તેની પાસેથી ક્રૂડ ખરીદતા દેશોનાં રૂપિયા, રુબલ કે દિરહામ જેવા હુંડિયામણમાં પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. પરિણામે અમેરિકા માટે પોતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ડોલર વિનાની અન્ય કરન્સીઓમાં કારોબાર કરવામાં રશિયા ઉપરાંત અન્ય દેશોને મોટો ફાયદો થઇ રહ્યો હોવાથી આ કારોબાર વધી રહ્યો છે.
જ્યારથી પ્રતિબંધો લાગુ થયા ત્યારથી એટલે કે પાંચમી ડિસેમ્બર-22થી ભારતની રશિયન ક્રૂડતેલની ખરીદીનું કરોડો ડોલરનું ચુકવણું અન્ય કરન્સીમાં થયું છે. હાલમાં ક્રૂડતેલના કારોબારમાં દુબઇ સ્થિત કંપનીઓ, રશિયાની ગાઝપ્રોમ તથા રોઝનેફ્ટ જેવી એનર્જી કંપનીઓ રશિયાનાં ઉંચા ગ્રેડનાં ક્રૂડતેલના સોદા સામે પણ નોન-ડોલર કરન્સીમાં ચુકવણાં લઇ રહી છે. હાલમાં ભારતની ત્રણ બેંકોમાં રશિયાની કંપનીઓના વહીવટ થાય છે તેમાં પેમેન્ટ નોન-ડોલર કરન્સીમાં થઇ રહ્યા છે.
અગાઉ દિરહામમાં મોટાપાયે ચુકવણા થતાં હતાં, પરંતુ ગત મહિને અમેરિકા તથા બ્રિટને મોસ્કો તથા અબુધાબી સ્થિત રશિયન બેંક એમ.ટી.એસને નિયંત્રણવાળી કંપનીઓની યાદીમાં મૂકી દેતાં હવે દિરહામમાં ચુકવણામાં સમસ્યા આવી રહી છે. જાન્યુઆરી-23માં ક્રૂડતેલનાં 40 ટકા જેટલા ચુકવણાં નોન-ડોલર, એટલે કે ડોલર સિવાયની અન્ય કરન્સીમાં થયા હોવાનું જાણવા મળે છે. જો આ પ્રણાલિ લાંબી ચાલે તો પશ્ચિમી દેશોની ઇકોનોમીનાં કાંગરા ખરવા માંડે તેવી ભીતિ છે.
હાલમાં રશિયા સાથે કારોબાર કરતાં અન્ય દેશો માટે ડોલર એ ટોક્સિક કરન્સી બની રહી છે, કારણ કે ઘણી રશિયન કંપનીઓનાં અગાઉ ડોલરમાં થયેલા પેમેન્ટ બ્લોક થઇ ગયા છે અથવા તો લાંબા સમય સુધી છુટ્ટા થતા નથી. હવે ભારત તથા રશિયાની બેંકો બન્ને દેશો વચ્ચે સીધી સ્પર્ધા ચાલુ થઇ છે. ભારતની એસ.બી.આઇનું રશિયામાં વિદેશી કરન્સી માટેનું ખાતું છે. આ જ રીતે ઘણી રશિયન બેંકોએ ભારતીય બેંકોમાં ખાતાં ખોલાવ્યાં છે.
આવી જ રીતે ચીનની કંપનીઓ સાથે યુઆનમાં વિનિમય થઇ રહ્યો છે. ભારતમાં એક્સીસ બેંક તથા બેંક ઓફ બરોડામાં દિરહામમાં પેમેન્ટ થયા હોવાના અહેવાલ છે. આ રીતે કારોબાર ઉપર ચાંપતી નજર રાખવા છતાં અમેરિકા કોઇ પગલાં ભરી શકતું નથી.