અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : અમેરિકામાં બેંક ઉઠી જવાની ઘટના બની છે અને યુરોપમાં પણ કેટલીક નાણા સંસ્થાઓની તંદુરસ્તી કથળી હોવાના સમાચારો વહેતા થયા છે એટલે સલામત રોકાણની માગ વધી છે. બીજી તરફ ફેડરલરિઝર્વ પણ હવે વ્યાજર વધારવામાં બહુ સખ્તાઇ નહીં વર્તે એવું લાગતા સોનામાં તીવ્ર તેજી સાથે 1900 ડોલર નજીકનો ભાવ થઇ ગયો છે. સોમવારે મોડી સાંજે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1889 ડોલર અને ચાંદીનો ભાવ 21.16 ડોલર થઇ ગયો હતો. સોનામાં ફેબ્રુઆરી પછીના ટોચના બાવ થયા છે.
સોનાનો ભાવ શુક્રવારે નોંધપાત્ર ઉછળ્યા પછી સોમવારે પણ તેજી ચાલુ રહી હતી. સિલીકોન વેલી બેંક અમેરિકામાં બંધ કરવાનો આશન આવ્યો છે અને એના કારણે ગભરાટ વધી ગયો છે. સોનામાં હાલ સલામત રોકાણની માગ છે. હવે ફેડ ઉંચો વ્યાજર કેટલો સમય રાખી શકશે એ મુદ્દે પણ ભારોભાર અનિશ્ચિતતા સર્જાઇ ગઇ છે એટલે બુલિયનમાં લેવાલી વધી છે. કદાચ ફેડ ચાલુ માસની બેઠકમાં 50 બેસીસ પોઇન્ટને બદલે 25 બેસીસ પોઇન્ટનો જ વ્યાજદર વધારો કરે એવી શક્યતા વધી ગઇ છે. વ્યાજદર વધારાની સાઇકલ પણ કદાચ હવે ટૂંકા સમયમાં પૂરી કરી દેવામાં આવશે એવું લાગવા માંડ્યું છે.
સોનામાં અત્યારે સંસ્થાકિય રોકાણકારોની માગમાં વધારો થયો છે. ઇટીએફ પણ બજારમાં ઝંપલાવે તો તેજી હજુ આગળ જઇ શકે છે. ડોલર ઇન્ડેક્સ અત્યારે નબળો પડ્યો છે એટલે સોનાને લાભ થયો છે. અમેરિકાના સત્તાવાળાઓએ એવી જાહેરાત કરી છેકે, સિલીકોન વેલીને ઉગારવા માટે ક્રમબધ્ધ પગલાં લેવામાં આવશે પણ એ પૂર્વે શેરબજારો સહિત કોમોડિટી બજારોમાં ભારે ખાનાખરાબી થઇ ચૂકી છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.250ના સુધારામાં રૂ. 57400 અને મુંબઇમાં રૂ. 1299 વધતા રૂ. 56968 હતો. ચાંદી એક કિલોએ રૂ. 800 ઉંચકાઇને રાજકોટમાં રૂ. 64000 તથા મુંબઇમાં રૂ. 1875 વધતા રૂ. 63666 હતી.