• શનિવાર, 25 માર્ચ, 2023

જૉ બાયડેન વહીવટી તંત્રની હૈયાધારણ : ખાતાધારકો એસવીબી અને સિગ્નેચર બૅન્કમાંથી તમામ રકમ ઉપાડી શકશ

નાણાપ્રધાન, ફેડ રિઝર્વ અને એફડીઆઈસી દ્વારા સંયુક્ત નિવેદનમાં ખાતાધારકોને  અપાયેલી ખાતરી

નવી દિલ્હી , તા. 13 (એજન્સીસ) : સિલિકોન વૅલી બૅન્ક (એસવીબી) આર્થિક સંકટમાં ફસાયા બાદ રવિવારે ન્યૂ યોર્ક સ્થિત સિગ્નેચર બૅન્કને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા તેના તમામ થાપણધારકોને તેમનાં નાણાં આજથી પરત મળવાના શરૂ થશે, એવી હૈયાધારણ આપતું સંયુક્ત નિવેદન અમેરિકાના પ્રમુખ જૉ બાયડેનના વહિવટી તંત્ર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2008 બાદ અમેરિકામાં આ સૌથી મોટું બેન્કિંગ સંકટ માનવામાં આવે છે. 

અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યૅલેન, ફેડરલ રિઝર્વ બોર્ડના ચૅરમૅન જૅરોમ પૉવેલ અને એફડીઆઈસીના ચૅરમૅન માર્ટિન ગ્રુએનબર્ગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ખાતાધારકોની સંપૂર્ણ આર્થિક સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે અને એસવીબીના આર્થિક સંકટનો ઉકેલ લાવવામાં આવશે. 

ખાતાધારકો સોમવારથી તેમના ખાતામાંથી નાણાં ઉપાડી શકશે, એમ યૅલેને ખાતરી આપતાં જણાવ્યું હતું. 

વર્ષ 2008માં આવેલા લેહમેન બ્રધર્સના સંકટ બાદ અમેરિકામાં આ સૌથી મોટી બૅન્ક નાણાભીડમાં સપડાઈ છે. આ બૅન્ક દ્વારા અનેક સ્ટાર્ટ અપ્સ અને વેન્ચર કેપિટલ (વીસી) ફ્ન્ડ્સને નાણાં ધીર્યા હોવાથી ટેક્નૉલૉજી અને સ્ટાર્ટ અપ્સ સેક્ટર્સમાં ભયનો માહોલ ફેલાયો છે. 

એફડીઆઈસી દ્વારા કથિતરૂપે 93 ટકા થાપણો વીમા હેઠળ આવરી લેવામાં આવી નહીં હોવાથી રોકાણકારો ચિંતામાં છે. તેમની ચિંતાને હળવી કરવા માટે અમેરિકાના નાણા મંત્રાલય, ફેડરલ રિઝર્વ અને એફડીઆઈસી દ્વારા સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

અમેરિકી પ્રમુખ જૉ બાયડેન સાથે ચર્ચા કર્યા બાદ નાણાપ્રધાન જેનેટ યૅલેન, ફેડરલ રિઝર્વ બોર્ડના ચૅરમૅન જૅરોમ પૉવેલ અને એફડીઆઈસી ચૅરમૅન માર્ટિન ગ્રુએનબર્ગ દ્વારા ઉક્ત સંયુક્ત નિવેદન રોકાણકારોના વિશ્વાસને અકબંધ રાખવાના પ્રયાસરૂપે જાહેર કરવામાં આવ્યું હતું. 

ફેડરલ રિઝર્વ દ્વારા આવશ્યક ભંડોળ બૅન્કમાં જમા કરવામાં આવશે જેથી રોકાણકારોની તમામ પ્રકારની નાણાં જરૂરિયાતને બૅન્ક સંતોષી શકે, એવી જાહેરાત ફેડ રિઝર્વ દ્વારા કરવામાં આવી હતી. 

વર્ષ 2008માં આવેલા આર્થિક સંકટના પગલે અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી છે અને તે વિશે આવશ્યક સુધારા પણ કરવામાં આવ્યા હોવાથી બેન્કિંગ વ્યવસ્થા મજબૂત પાયા ઉપર ઊભી છે અને તે પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે, એમ ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.