અમેરિકન બૅન્કોના સંકટની અસર સ્થાનિક બૅન્કો ઉપર નહીં થાય
મુંબઈ, તા. 13 (એજન્સીસ) : ભારતીય બૅન્કો સ્થાનિક નાગરિકો દ્વારા મૂકવામાં આવેલી થાપણોથી સદ્ધર હોવાથી અમેરિકાની સિલિકોન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્કના નિષ્ફળ જવાથી તેમને કોઈ નકારાત્મક અસર નહીં થાય, એમ મૅક્વાયરી ગ્રુપ લિમિટેડે આજે જણાવ્યું હતું.
વૈશ્વિક બૅન્કોની કપરી પરિસ્થિતિ હોવા છતાં ભારતીય બૅન્કોને કોઈ માઠી અસર નહીં થાય કારણ કે એસવીબીમાં તેમનું સીધું અથવા પરોક્ષ રોકાણ ભાગ્યેજ હશે, એમ મૅક્વાયરીના એનાલિસ્ટ સુરેશ ગણપતિએ જણાવ્યું છે.
ભારતીય બૅન્કોનું મહત્તમ રોકાણ દેશની ગવર્નમેન્ટ સિક્યુરિટિઝમાં વધારે છે અને સ્થાનિક નાગરિકોનું થાપણો સ્વરૂપે રોકાણ પુષ્કળ હોવાથી તેમના ઉપર જોખમ નથી, એમ તેમણે ઉમેર્યું હતું.
જેફરિઝ પણ મૅક્વાયરીના નિવેદનને અનુમોદન આપતાં કહે છે કે એસવીબી ફાઈનાન્સિયલ ગ્રુપના કારણે ભારતીય બૅન્કોને જોખમ નગણ્ય માત્રામાં સંભવી શકે. એનાલિસ્ટ પ્રખર શર્માએ પણ આવો જ મત આપતાં કહ્યું હતું કે દેશની બૅન્કોમાં 60 ટકાથી વધારે થાપણો સ્થાનિક નાગરિકો દ્વારા મૂકાયેલી એફડીથી સજ્જ હોવાના કારણે ભારતીય બૅન્કોની સ્થિતિ સારી છે.
દરમિયાન, સિલિકોન વૅલી બૅન્ક (એસવીબી)ના તમામ થાપણધારકોને તેમના નાણાં આજથી મળવાના શરૂ થશે, એવી હૈયાધારણ આપતું સંયુક્ત નિવેદન અમેરિકાના પ્રમુખ જૉ બીડેનના વહીવટી તંત્ર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકાના નાણાં પ્રધાન જેનેટ યૅલેન, ફેડરલ રિઝર્વ બોર્ડના ચૅરમૅન જૅરોમ પૉવેલ અને એફડીઆઈસી ચૅરમૅન માર્ટિન ગ્રુએનબર્ગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ખાતાધારકોની સંપૂર્ણ આર્થિક સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે અને એસવીબીના આર્થિક સંકટનો ઉકેલ લાવવામાં આવશે. ખાતેધારકો સોમવારથી તેમના ખાતામાંથી નાણાં ઉપાડી શકશે, એમ યૅલેને ખાતરી આપ તા જણાવ્યું હતું.
વર્ષ 2008માં આવેલા લેહમેન બ્રધર્સના સંકટ બાદ અમેરિકામાં આ સૌથી મોટી બૅન્ક નાણાં ભીડમાં સપડાઈ છે. આ બૅન્ક દ્વારા અનેક સ્ટાર્ટ અપ્સ અને વેન્ચર કૅપિટલ (વીસી) ફ્ન્ડ્સને નાણાં ધીર્યા હોવાથી ટેક્નૉલૉજી અને સ્ટાર્ટ સપ્સ સેક્ટર્સમાં ભયનો માહોલ ફેલાયો છે.