નવી દિલ્હી, તા. 14 : મૂડી'ઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિક બૅન્ક અને અન્ય પાંચ યુએસ બૅન્કોનું રેટિંગ ઘટાડવા માટે સમીક્ષા હેઠળ મૂકી છે. સિલિકોન વેલી બૅન્કના ધબડકાને પગલે આ સ્થિતિ સર્જાઈ છે.
આમાં વેસ્ટર્ન અલાયન્સ બેનકોર્પ, ઇનટ્રસ્ટ ફાઇનાન્શિયલ કોર્પ. યુએમબી ફાઇનાન્સિયલ કોર્પ., ઝીઓન્સ બૅન્ક કોર્પ, કોમેરીકા આઈએનસીને રેટિંગ ડાઉન ગ્રેડ કરવા પહેલાં સમીક્ષા હેઠળ મૂકવામાં આવી છે. વીમા હેઠળ નહીં આવતાં ડિપોઝિટ ફન્ડિંગ અને તેમના એસેટ પોર્ટફોલિયોમાં ખોટને સ્વીકૃતિ નહીં આપવા બદલ આ બૅન્કો અંગે ક્રેડિટ રેટિંગ કંપનીએ ચિંતા વ્યક્ત કરી છે. સિલિકોન વેલી બૅન્ક નિષ્ફળ ગયા બાદ અમેરિકી સરકાર ખાતાધારકોની વહારે આવી તેમની થાપણો પરત કરવાનો નિર્ણય લીધો છે અને વધુ બૅન્કોને અસર થાય નહીં તેની તકેદારી લીધી છે. મૂડી'ઝે સિગ્નેચર બૅન્કનું રેટિંગ ઘટાડયું હતું અને તે બૅન્ક બંધ થયા બાદ ક્રેડિટ રેટિંગ પાછું ખેંચી લીધું છે.
સાનફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિકમાં 62 ટકાનું વિક્રમી ગાબડું સોમવારે પડયું હતું. ફિનીક્સ સ્થિત વેસ્ટર્ન એલાયન્સ 47 ટકા ગગડયો હતો. ડલાસ સ્થિત કોમેરીકાના શૅર્સ 28 ટકા ઘટયા હતા. ફર્સ્ટ રિપબ્લિકના કેસમાં મૂડીઝે જણાવ્યું છે કે તેની વીમા હેઠળના ભંડોળની મર્યાદા સીમિત હોવાથી તેમાંથી નાણાં પાછાં ખેંચવાની માત્રા ઝડપી અને સંવેદનશીલ હશે.
જો આ બૅન્કો તેમની થાપણો કરતાં વધુ ઉપાડનો સામનો કરશે અને તેટલી રકમ તેમની પાસે નહીં હોય તો તેમણે તેમની અસ્કયામતો વેચવી પડશે અને આમ બૅન્કોની સ્થિતિ વધુ ખરાબ થશે, એમ મૂડી'ઝે જણાવ્યું છે.
ફર્સ્ટ રિપબ્લિકે અગાઉ જણાવ્યું હતું કે તેમણે બૅન્કોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ફેડરલ રિઝર્વ અને જેપી મોર્ગન ચેઝ ઍન્ડ કંપની પાસેથી અતિરિક્ત ભંડોળ મેળવ્યું છે.