• શનિવાર, 25 માર્ચ, 2023

ફેબ્રુઆરીમાં હૉલસેલ ફુગાવો ઘટીને બે વર્ષના નીચલા સ્તરે 3.85 ટકા થયો

અનેક જણસોના ભાવ ઉતરતાં ફુગાવો ઘટયો

નવી દિલ્હી, તા. 14 : હૉલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) ફુગાવો જે જાન્યુઆરીમાં 4.73 ટકા હતો તે ફેબ્રુઆરીમાં ઘટીને 3.85 ટકા થયો છે જે બે વર્ષના નીચલા સ્તરે જોવા મળ્યો છે. ડબ્લ્યુપીઆઈ ઇન્ડેક્સમાં માસિક ધોરણે સહેજ વધ્યો છે. જાન્યુઆરીમાં તે 0.13 ટકા હતો તે ફેબ્રુઆરીમાં વધીને 0.20 ટકા થયો હતો.

ફેબ્રુઆરી 2023માં ફુગાવાનો દર ઘટવાનું કારણ અનેક ચીજોનો ભાવઘટાડો હતો. આ ચીજોમાં ક્રૂડ, પેટ્રોલિયમ-નેચરલ ગૅસ, બિનખાદ્ય પદાર્થો, ખાદ્યપદાર્થો, કૉમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, રસાયણ અને રાસાયણિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, મોટર વાહનો, ટ્રેઇલર્સ અને સેમિટ્રેઇલર્સનો સમાવેશ થાય છે.

હૉલસેલ ફુગાવામાં ઘટાડાથી કૉર્પોરેટ માટે સાનુકૂળતા વધશે. જથ્થાબંધ ભાવો ઘટતાં કૉર્પોરેટ કમાણી પરનું દબાણ ઘટશે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી રિટેલ માર્કેટમાં ભાવો ઘટશે.

ડબ્લ્યુપીઆઈ ફૂડ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર જે જાન્યુઆરીમાં 2.95 ટકા હતો તે ફેબ્રુઆરી 2023માં ઘટી 2.76 ટકા રહ્યો છે. પ્રાઇમરી આર્ટિકલ સેગમેન્ટમાં ફુગાવાનો દર 3.88 ટકાથી ઘટીને 3.28 ટકા થયો છે.

ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગૅસનો જથ્થાબંધ ફુગાવો જે જાન્યુઆરીમાં 23.79 ટકા હતો તે ઘટીને 14.47 ટકા રહ્યો છે. ઈંધણ અને વીજળીનો ફુગાવો 15.15 ટકાથી ઘટીને ફેબ્રુઆરીમાં 14.82 ટકા થયો હતો, જ્યારે મેન્યુફેકચરર્ડ પ્રોડક્ટસનો ફુગાવો ફેબ્રુઆરીમાં 1.94 ટકા રહ્યો હતો. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ફલેક્શન (સીપીઆઈ) રિટેલ ફુગાવાનો દર જે જાન્યુઆરીમાં 6.52 ટકા હતો તે ફેબ્રુઆરીમાં ઘટીને 6.44 ટકા થયો હતો. ગત વર્ષના મેમાં ડબ્લ્યુપીઆઈ ફુગાવો વધી 15.88 ટકા થયો હતો જે સપ્ટેમ્બર 1991 પછીની સૌથી ઊંચી ટોચ હતી.ડબ્લ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરીમાં ઘટીને 4.73 ટકા રહ્યો હતો જે 24 મહિનાના નીચલા સ્તરે છે.