• શનિવાર, 25 માર્ચ, 2023

સોના-ચાંદીમાં સુધારાની ગતિ હળવી પડી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 15 : અમેરિકામાં બેંક ક્રાઇસીસને લીધે સોનાના ભાવમાં તેજી થયા પછી હવે રૂકાવટ છે. બુધવારે સોનું 1908 ડોલરની સપાટીએ મક્કમ રહ્યું હતુ. અમેરિકામાં ફુગાવો ઉંચો રહેવાની સંભાવના હોવાથી સોનાની ખરીદીમાં વધારો થયો છે એ કારણે મોટો ઘટાડો મુશ્કેલ હોવાનું અભ્યાસુઓએ કહ્યું હતુ. ચાંદીમાં 21.82 ડોલરના ભાવ રનીંગ હતા. અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં સુધારો થવાને લીધે પણ સોનાની તેજી અટકી ગઇ છે. 

ડોલર અને બોન્ડ યીલ્ડ સોનાને વારંવાર પ્રભાવિત કરી રહ્યા છે. વિષ્લેષકો કહે છેકે, અમેરિકાના બાંકિંગ ક્ષેત્રમાં ગયા સપ્તાહમાં જેટલો ગભરાટ હતો એટલો નથી. થોડી રાહત થઇ છે. સોનાનો ભાવ અત્યારે એક મહિનાની ઉંચી સપાટીએ ચાલી રહ્યો છે. ફેડ હવે વ્યાજદરમાં મોટો વધારો કરી નહીં શકે એવું લાગી રહ્યું છે. જોકે મંગળવારે અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇઝ ડેટા જાહેર થયા એ ઉંચા છે. ફેડ અત્યારે ફુગાવા સામે લડી રહી છે ત્યારે હવે આવતા સપ્તાહે મળનારી ફેડની બેઠકમાં શું થશે તેની ઇંતેજારી છે. બીજી તરફ બેંકોની કટોકટી છે એટલે ફેડ માટે હવે નિર્ણય લેવાનું કપરું થઇ પડ્યું છે. 

ફેડ નવી બેઠકમાં 25 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કરે એવી શક્યતા છે. ફેડની બેઠક 21 અને 22 માર્ચના દિવસે મળવાની છે. જાણકારોના કહેવા પ્રમાણે ઉંચા વ્યાજદર સોનાની રોકાણ માગમાં ઘટાડો કરશે. જોકે અપેક્ષા કરતા વધારે અર્થાત 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો થાય તો સોનાને 1900 ડોલરની નીચે જવું પડશે.હાલના ભાવ ઉંચા છે એટલે ફિઝીકલ માગ ઓછી છે, અત્યારે ટ્રેડરો સટ્ટાકિય લે વેચ કરી રહ્યા છે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.50 સુધરીને રૂ. 57900 અને મુંબઇમાં રૂ. 297 વધતા રૂ. 57902 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 400 વધીને રૂ. 66000 અને મુંબઇમાં રૂ. 685 ઉંચકાઇને રૂ. 66861 રહી હતી.