વિદેશી લૉ કંપનીઓનો ભારત પ્રવેશ નિયંત્રિત અને નિયામકી ધોરણોને આધીન રહેશે
નવી દિલ્હી, તા. 15 : બાર કાઉન્સિલ અૉફ ઇન્ડિયા (બીસીઆઈ)એ બુધવારે વિદેશી ધારાશાત્રીઓ અને લૉ કંપનીઓને ભારતમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય લવાદના કેસિસ માટે પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપી છે. આ પરવાનગી અરસ -પરસ ધોરણે અપાઈ છે, જેમાં ભારતીય ધારાશાત્રીઓને પણ વિદેશની ધરતી ઉપર પ્રેક્ટિસ કરવાની અનુમતી આપવી પડશે.
આ હેતુ માટે બીસીઆઈએ બાર કાઉન્સિલ અૉફ ઇન્ડિયાના ધોરણોને રજિસ્ટ્રેશન ઍન્ડ રેગ્યુલેશન અૉફ ફોરેન લૉયર્સ ઍન્ડ ફોરેન લૉ ફર્મ્સ 2022 હેઠળ માન્યતા આપી છે. ભારતમાં વિદેશી કાયદાની પ્રેક્ટિસ માટે વિદેશી ધારાશાત્રીઓને પ્રેક્ટિસ માટે પરવાનગી આપવા અને આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રશ્નો, અને આંતરારષ્ટ્રીય લવાદના કેસિસની સ્થાનિક ધોરણે પ્રેક્ટિસની પરવાનગી આપવાથી ભારતમાં લિગલ વ્યવસાયની લાંબા ગાળે પ્રગતિ થશે અને તેનો લાભ ભારતના ધારાશાત્રીઓને પણ થશે, એમ બીસીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
એક અહેવાલ અનુસાર બીસીઆઈ વિદેશી લૉ ફર્મ્સના પ્રવેશને નિયંત્રિત અને નિયામકી ધોરણે થશે અને તેનો લાભ ભારતીય અને વિદેશી લૉયર્સને પણ થશે.
આ ધોરણોના પગલે વિદેશી હૂંડિયામણના દેશમાં આવતા પ્રવાહ વિશેની ચિંતાઓનું નિરાકરણ થશે અને ભારતને આંતરરાષ્ટ્રીય લવાદનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં મદદ થશે. જો, આ ધોરણો લાગુ કરવાનો નિર્ણય અમે લઈએ નહીં તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના લૉયરો પાછળ રહી જવાની શક્યતા રહેલી હતી તેથી અમે ભારતીય ધારાશત્રીઓ અને વકિલાતના વ્યવસાયના વિકાસ માટે આ નિર્ણય લીધો હોવાનું બીસીઆઈએ જણાવ્યું છે.
એડવૉકેટ્સ એક્ટ અૉફ ઇન્ડિયા,1961, અનુસાર બીસીઆઈ સાથે નોંધણી થયેલા વકીલો જ ભારતમાં વકિલાતનો વ્યવસાય કરી શકે છે, તે માટે તેમણે લૉયરનું લાઈસન્સ મેળવવું પડે છે.