• શનિવાર, 25 માર્ચ, 2023

માર્ચની આખરે દેશની નિકાસ વિક્રમી સ્તરે પહોંચશે : એક્ઝિમ બૅન્ક

વિવિધ દેશો સાથે એફટીએ થયા બાદ નિકાસમાં વધારો થશે 

મુંબઈ, તા.15 : દેશની નિકાસ 31મી માર્ચે પૂરા થતાં નાણાવર્ષ દરમિયાન વિક્રમી થવાની ધારણા નિકાસને ધિરાણ આપતી અગ્રણી નાણાસંસ્થા એક્સપોર્ટ - ઈમ્પોર્ટ બૅન્ક અૉફ ઈન્ડિયા અથવા ઈન્ડિયા એક્ઝિમ બૅન્કે વ્યક્ત કરી છે. નિકાસ ઉપર વૈશ્વિક સ્તરે ભૂ - રાજકીય પરિબળોની માઠી અસર થઈ હોવા છતાં માર્ચ માસના આખરે દેશની નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા એક્ઝિમ બૅન્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર જાન્યુઆરીથી માર્ચ, 2022ના ગાળા દરમિયાન દેશમાંથી વિવિધ જણસોની નિકાસ 110.9 અબજ ડૉલર થવાની ધારણા છે તેના પગલે સમગ્ર નાણાવર્ષ દરમિયાન કુલ નિકાસ વધીને 447.3 અબજ ડૉલરના વિક્રમી સ્તરે જવાની આગાહી આ બૅન્કે કરી છે. આ સમયગાળામાં નોન-અૉઈલ જણસોની નિકાસ 87.7 અબજ ડૉલર થવાની શક્યતા આ બૅન્કે વ્યક્ત કરી છે. 

નાણાવર્ષ 2022 દરમિયાન ભારતે સર્વકાલિન સર્વેચ્ચ સ્તરે જણસોની નિકાસ કરી હતી અને તેનું મૂલ્ય 422 અબજ ડૉલરનું હતું. નાણાવર્ષ 2023ના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં દેશના નિકાસ ભાગીદાર તરીકે નેધરલૅન્ડે ચીનને પાછળ મૂકી ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને ભારતે તેની નિકાસ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં વધારી હતી, જ્યારે ચીન અને અમેરિકાને થતી નિકાસમાં ઘટાડો થયો હતો. 

 ભારતે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં નિકાસ બે ગણી વધારી છે, જ્યારે યુકે, ઈયુ, કેનેડા અને ઈઝરાયલ જેવા દેશો સાથે વેપાર કરાર થઈ રહ્યા હોવાથી આપણા દેશની નિકાસમાં ઓર વધારો થશે, એમ ફેડરેશન અૉફ ઈન્ડિયન એક્સપોર્ટ અૉર્ગેનાઈઝેશન્સ (એફઆઈઈઓ)ના પ્રમુખ એ શક્તિવેલે જણાવ્યું છે. 

જો કે અક્ઝિમ બૅન્કનું માનવું છે કે વૈશ્વિક ભૂ - રાજકીય પરિબળોની વિપરીત અસરના કારણે જાન્યુઆરીમાં દેશની જણસોની નિકાસ વાર્ષિક ધોરણે 6.58 ટકા ઘટીને 32.91 અબજ ડૉલરની થઈ હતી.