અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.13 : સોનામાં પૂરપાટ તેજી ચાલી રહી છે. ઇન્ટ્રા ડેમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1905 ડોલરની મહત્વની સપાટી વટાવી ગયા પછી મોડેથી 1897 થઇ ગયો હતો. અમેરિકામાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અર્થાત ગ્રાહકો દ્વારા ખરીદ થતા માલ સામાનના ભાવમાં વધારા કે ઘટાડાનો ઇન્ડેક્સ આશ્ચર્યજનક રીતે નીચો આવતા સોનામાં તેજી થઇ હતી. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાનો વેગ ધીમો પાડવામાં આવશે એવું લાગતા લેવાલી વધી હતી.
ચાલુ સપ્તાહમાં સોનાના ભાવમાં 1.9 ટકાની તેજી થઇ ગઇ છે. સળંગ ચોથા સપ્તાહે સોનાના ભાવ સુધરીને બંધ થયા છે. ચાંદીમાં ભાવ સ્થિર થઇ જતા 23.60 સેન્ટની સપાટીએ હતા.
વિષ્લેષકોના કહેવા પ્રમાણે ફેડ દ્વારા હવે વ્યાજદર વધારો 0.25 ટકા જેટલો જ કરવામાં આવે એવી શક્યતા વધી ગઇ છે. ફેડ ફેબ્રુઆરીમાં છેક વ્યાજદર વધારાની બેઠકમાં ચર્ચા કરશે ત્યાં સુધીમાં બજાર તેજીમય રહે તેમ છે. સોનાનો ભાવ 1925 ડોલર વટાવે તો 1940 ડોલર પણ થઇ શકે છે. કન્ઝ્યુમર પ્રાઇઝ ડેટા અઢી વર્ષ પછી અપેક્ષા કરતા હળવો રહ્યો છે એટલે કરન્સી બજારમાં ડોલરના મૂલ્યમાં ઘટાડો થયો હતો અને સોનાને તેજી માટે જગ્યા મળી હતી. જોકે બજાર ટૂંકાગાળામાં નોંધપાત્ર વધી ગઇ છે એ જોતા આવનારા દિવસોમાં ફંડોનો આઉટફ્લો થતા થોડુંક કરેક્શન પણ આવી શકે છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.540ની તેજીમાં રૂ. 56820 અને મુંબઇમાં રૂ. 365 ઉંચકાતા રૂ. 56462 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 66500ના મથાળે સ્થિર હતી જ્યારે મુંબઇમાં રૂ. 152 વધતા રૂ. 68115 રહી હતી.