અલ નિનોનું જોખમ વધવાની આગાહીઓથી ફુગાવો વધી રહ્યો છે
મુંબઈ, તા. 16 : વૈશ્વિક માહોલ ઊંચા ફુગાવા, ધિરાણ દરોમાં વધારા અને ભૂ-રાજકીય ઘટનાઓના કારણે વધુ ને વધુ નિરાશાજનક બની રહ્યો છે, આવી સ્થિતિમાં નાણાં વર્ષ 2023-24માં દેશના જીડીપીનો વિકાસ 6 ટકાના
દરે થવાની શક્યતા રેટિંગ એજન્સી ક્રિસિલે આજે વ્યક્ત કરી હતી.
ક્રિસિલે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ફુગાવાનું જોખમ સતત વધી રહ્યું છે અને તેની પાછળનું મુખ્ય કારણ આવનારા અમુક મહિનાઓમાં અલ નિનોનું જોખમ હોવાની આગાહીઓ છે. જોકે, મધ્યમ ગાળામાં ચિત્ર બહેતર જણાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલ અને જણસોના ભાવમાં આવેલી નરમાઈના કારણે આ નાણાં વર્ષમાં જોવા મળેલો 6.8 ટકાનો ફુગાવો આગામી નાણાં વર્ષ દરમિયાન ઘટીને પાંચ ટકા થવાની ધારણા ક્રિસિલે વ્યક્ત કરી છે.
મધ્યમ ગાળામાં દેશના વિકાસ દરનું ભાવિ તંદુરસ્ત જણાય છે. આવનારાં પાંચ નાણાં વર્ષ દરમિયાન જીડીપીનો વિકાસ દર વાર્ષિક ધોરણે 6.8 ટકા દરે વધવાની શક્યતા છે, તે માટે મૂડી અને ઉત્પાદનમાં વધારો મુખ્ય ચાલક બળ બની રહેશે, એમ ક્રિસિલના સીઈઓ અમિષ મહેતાએ જણાવ્યું હતું.
રવી પાક સારો ઉતરવાની શક્યતા હોવાથી ખાદ્યાન્ન ફુગાવો હળવો થશે અને સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણ વધારવામાં આવતાં તે મધ્યમ ગાળાના વિકાસ માટે મુખ્ય ચાલક બળ બનશે, એમ ક્રિસિલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
વર્ષ 2023થી 2027 દરમિયાન મૂડી ખર્ચમાં એકંદરે રૂા. 5.7 લાખ કરોડનો વધારો થશે, જે પાછલા પાંચ વર્ષમાં રૂા. 3.7 લાખ કરોડનો વધારો થયો હતો. આગામી પાંચ વર્ષમાં મૂડી ખર્ચમાં થનારાં સૂચિત વધારામાં લગભગ અડધો હિસ્સો પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ અને આધુનિક ક્ષેત્રોનો હશે, એમ આ એજન્સીના સિનિયર ડિરેક્ટર સુરેશ ક્રિષ્ણમૂર્તિએ જણાવ્યું હતું.
ક્રિસિલના ચીફ ઈકોનોમિસ્ટ ધર્મકીર્તિ જોશીના જણાવ્યા અનુસાર દેશની ચાલુ ખાતાની ખાધ (સીએડી) આ વર્ષના ત્રણ ટકાથી ઘટીને 2.4 ટકા થવાની અપેક્ષા છે.