અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : નબળા ડોલરને લીધે સોનાના ભાવમાં તેજી રહી હતી. ન્યૂયોર્કમાં 1931 ડોલરના ભાવ રનીંગ હતા તેજી છતાં ગઇકાલની છ સપ્તાહની ટોચની સપાટીની નીચે રહ્યા હતા. ક્રેડિટ સૂઇસે આજે એવી જાહેરાત કરી હતી કે અમેરિકામાં બાંકિંગ કટોકટી સર્જાઇ શકે છે પણ એનાથી ફંડની અસલામતી જોખમાવાની શક્યતા અગાઉ કરતા ઘટી ગઇ છે. એવી જાહેરાત પછી સોનાની તેજી અટકી હતી. શેરબજારોમાં પણ વળતી રિકવરી જોવા મળી હતી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 280 વધીને રૂ. 58180 અને મુંબઇમાં રૂ. 439 વધીને રૂ. 58341 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 500 ઉંચકાઇને રૂ. 66500 અને મુંબઇમાં રૂ. 450 ઉંચકાઇને રૂ. 67311 હતી.
કરન્સી માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો હતો. એ કારણે સોનામાં મજબૂતી જળવાઇ રહી હતી. બુલિયન બજારને લાભ થાય એવું વાતાવરણ વિશ્વમાં બનેલું છે એટલે સોનાને ફાયદો મળતો રહેશે. યુરોપીયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરૂવારે મોડેથી યોજાવાની હતી. એમાં નાણાનીતિ અંગે કોઇ જાહેરાત થાય એમ જણાય છે. સિલિકોન વેલી બેંકના ઉઠમણાની કટોકટી પછી બેંકની બેઠક પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વ્યાજ દર અંગે મહત્વનો નિર્ણય આવી શકે છે. અમેરિકાની બાંકિંગ કટોકટી અંગે પણ ચર્ચા થઇ શકે છે. બીજી તરફ આવતા સપ્તાહે ફેડની બેઠક પણ મળે છે એ પણ ચર્ચામાં છે.
યુરોપીયન સેન્ટ્રલ બેંક 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો આજની બેઠકમાં જાહેર કરશે એવી શક્યતા દર્શાવાતી હતી. ફેડ આવતા સપ્તાહે કદાચ 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ફુગાવો અને નાણાકિય અસ્થિરતાના માહોલમાં સોનામાં હેજરૂપી ખરીદી એકદમથી વધી ગઇ છે એ કારણે અત્યારે સોનું વન વે ચાલી રહ્યું છે.