બૅન્ક ઝી વિરુદ્ધ નાદારીની પ્રક્રિયા પાછી ખેંચશે
મુંબઈ, તા.16 : ઝી એન્ટરટેઈન્મેન્ટે તેની વિરુદ્ધ ઈન્ડસઈન્ડ બૅન્ક દ્વારા નાદારીની પ્રક્રિયા અટકાવવા માટે આ બૅન્કને એક કરોડ ડૉલર અથવા 83.7 કરોડ રૂપિયાનું કરજ ચૂકતે કરવાનો નિર્ણય લીધો છે. આ પેમેન્ટ આવતીકાલ સુધીમાં થઈ જવાની ધારણા છે. જ્યારે મુંબઈસ્થિત ઈન્ડસઈન્ડ બૅન્કે ઝી એન્ટરટેઈન્મેન્ટ સામે નાદારીની પ્રક્રિયા પાછી ખેંચવા સહમતી દર્શાવી છે. આ ઘટનાના પગલે ઝીના સોની ગ્રુપમાં મર્જરનો માર્ગ વધારે સરળ બન્યો છે. ઈન્ડસઈન્ડ બૅન્કે જણાવ્યું છે કે ઝી એન્ટરટેઈન્મેન્ટ લિમિટેડ દ્વારા દેવાની ચુકવણી થયા બાદ તેઓ તેમની સામેની નાદારીની પ્રક્રિયા પાછી ખેંચશે.
ગયા ફેબ્રુઆરી મહિનામાં ઈન્ડસઈન્ડ બૅન્કે નાદારી કોર્ટમાં જઈ ઝી સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી કરી હતી, તે કારણે ઝીના સોની ગ્રુપમાં મર્જર સામે મોટું જોખમ નિર્માણ થયું હતું, તેમાં અસ્ક્યામતોની ટ્રાન્સફર સહિતના તમામ સોદા અટકી પડવાના સંજોગો નિર્માણ થયા હતા.
જો કે અપીલ કોર્ટ એનસીએલએટીએ ગયા મહિને આ મીડિયા કંપની સામે નાદારીની પ્રક્રિયા અટકાવી હતી. આજની ઘટના વિશે ઈન્ડસઈન્ડ બૅન્ક અથવા ઝી મીડિયા દ્વારા કોઈ અધિકૃતપણે ટિપ્પણી કરવામાં આવી નહોતી. ઝીના ધારાશાત્રીએ ગયા મહિને એનસીએલટીએને જણાવ્યું હતું કે સોની સાથે મર્જરનો સોદો પાર પાડવા માટે આવશ્યક તમામ મંજૂરીઓ મળી ગઈ છે, પરંતુ ઈન્ડસઈન્ડ બૅન્ક દ્વારા કરવામાં આવેલી નાદારીની અરજીના કારણે સમગ્ર મર્જરની પ્રક્રિયા ખોરંભે ચઢી છે.
ઝી અને સોનીના મર્જરને ધાર્યા કરતાં વધારે સમય લાગ્યો છે અને તેમના મર્જરને ઝીના શૅરધારકોને દેશના એન્ટિ ટ્રસ્ટ રેગ્યુલેટરે માન્યતા આપી છે.