• શનિવાર, 25 માર્ચ, 2023

આરબીઆઈએ ફુગાવો ડામવા એપ્રિલમાં વધુ એક દરવધારો કરવો પડશે   

એમપીસીનો પ્રયાસ બૃહદ અર્થતંત્રને સ્થિરતા આપવાનો રહેશે

મુંબઈ, તા. 16 : દેશનો રિટેલ ફુગાવો સતત છ ટકાની આસપાસ રહેવાથી અને યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાનીતિના કારણે અમેરિકન ડૉલર સામે રૂપિયો નરમ રહેવાથી રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ને તેની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની આગામી એપ્રિલ મહિનામાં મળનારી બેઠકમાં ધિરાણદરમાં વધુ એક વધારો કરવાની ફરજ પડશે, એમ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી)ના સભ્ય સાજિદ ચિનોયે જણાવ્યું છે. 

ભારતમાં રિટેલ ફુગાવો પાછલા અનેક માહિનાઓથી આરબીઆઈની છ ટકાની ટૉચ મર્યાદા કરતાં ઉપર રહેતાં તે અસ્વસ્થ કરનારી બાબત છે અને આટલો ઊંચો ફુગાવો શા માટે લાંબા સમયથી ચાલી રહ્યો છે તે સમજવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, અમારું માનવું છે કે આરબીઆઈએ વધુ એક વધારો કરવો જોઈએ, જેથી વર્તમાન કપરી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી શકાય. આરબીઆઈએ દર વધારો અટકાવવો જોઈએ નહીં, જો આમ થશે તો પછી તેમને રેપો રેટમાં વધારો કરવાની ફરજ પડી શકે અને તેવી સ્થિતિ ટાળવી જોઈએ, એમ ચિનોયે જણાવ્યું હતું. તેઓ ક્રિસિલ્સ ઇન્ડિયા આઉટલૂક વિશે આયોજિત સેમિનારમાં સંબોધન આપતાં ઉક્ત નિવેદનો કર્યા હતા. 

અત્યારે વેશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતાનો માહોલ છે, ત્યારે રાજકોષિય અથવા નાણાનીતિને ઢીલી કરવાના બદલે વર્ષ 2023માં બૃહદ અર્થતંત્રને સ્થિરતા આપવા માટે પ્રયાસો કરવામાં આવે તે હિતાવહ છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

આપણે જીડીપીના વિકાસદરમાં આવેલી ધીમી ગતિ ઉપર ધ્યાન આપવા કરતાં વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનનું એકસૂત્રીકરણ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ, એમ ચિનોયે જણાવ્યું હતું. 

ઈએસીના અલ્પકાલિન સભ્ય અને ક્રેડિટ સુઈસેના વરિષ્ઠ અધિકારી નીલકંઠ મિશ્રાએ આ સંદર્ભે જણાવ્યું કે એમપીસીના બહારના સભ્યોનું માનવું છે કે આરબીઆઈએ યુએસ ડૉલર સામે રૂપિયાની સ્થિરતાનો વિચાર કરતી વખતે ફુગાવાને ડામવા માટે પણ ધ્યાન આપવું જરૂરી હોવાથી એમપીસીને વધુ એક દર વધારો કરવો પડશે.