• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સમગ્ર વિશ્વનો દારોમદાર ભારતના જી-20 નેતૃત્વ ઉપર : આઈએમએફ  

ભારતનું ડિજિટાઇઝેશન આદર્શ ઉદાહરણ

વૉશિંગ્ટન, તા. 13 (પીટીઆઈ) : આજે વિશ્વ જ્યારે સતત ધીમા આર્થિક વિકાસનો અને સામાજિક તણાવનો અનુભવ કરી રહ્યું છે ત્યારે ભારતે લીધેલા જી-20ના નેતૃત્વ ઉપર આંતરરાષ્ટ્રીય સમુદાય ઘણો મદાર રાખી રહ્યું છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના મૅનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ અહીં જણાવ્યું છે.

ભારત અત્યારે જી-20 દેશોના સંગઠનનું પ્રમુખ છે અને ભારતનો વિકાસ વૈશ્વિક સરેરાશ વિકાસ કરતાં ઘણો સારો રહ્યો છે, એમ આઈએમએફના એમડીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું.

ભારતે 1 ડિસેમ્બરના રોજ ઔપચારિક રીતે જી-20 (20 દેશોના સમૂહ)નું પ્રમુખપદ સંભાળ્યું છે. હવે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં જી-20 દેશોના વડાની ઉચ્ચ કક્ષાની બેઠક યોજાશે.

`અમે ભારતના જી-20ના નેતૃત્વ ઉપર ઘણો મદાર રાખી રહ્યા છીએ. અત્યારે સમગ્ર વિશ્વ માટે કટોકટીનો સમય છે. સમન્વિત વૈશ્વિક અર્થતંત્રની રક્ષા કરીને પોતાની સુરક્ષા કરવાનો આ વ્યૂહાત્મક સમય છે' એમ જ્યોર્જિવાએ કહ્યું હતું.

ભારતે ડિજિટાઇઝેશન અપનાવ્યું તેની જ્યોર્જિવાએ પ્રશંસા કરી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19ને કારણે ડિજિટાઇઝેશનને વેગ મળ્યો અને અત્યારે આ વ્યવસ્થા અસરકારક રીતે સક્રિય છે તે કારણે જાહેર અને ખાનગી ક્ષેત્રના વિકાસને ઘણો મજબૂત ફાયદો થયો છે.

જાહેર નીતિની દૃષ્ટિએ જોઈએ તો ડિજિટલ આઈડી અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ભારતના ડિજિટલ પ્લૅટફૉર્મને ટેકો મળ્યો છે. ભારતમાં પ્રાથમિકતાનાં ધોરણે અને ખૂબ જ અસરકારક રીતે સમગ્ર દેશમાં રસીકરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો તે એક ઉત્તમ ઉદાહરણ છે. ભારતના ખાનગી ક્ષેત્રની બ્રાન્ડેડ કંપનીઓ માટે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવા માટેનો અનુકૂળ માહોલ પૂરો પાડી રહ્યો છે. ભારત તેની આ સિદ્ધિ વૈશ્વિક સ્તરે રજૂ કરી તુલનાત્મક રીતે તેના વર્ચસ્વને સિદ્ધ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

જ્યોર્જિવાના અભિપ્રાય મુજબ જી-20 માટે ડિજિટાઇઝેશન પ્રાધાન્ય ધરાવતી બાબત છે. જાહેર ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ડિજિટાઇઝેશન સફળ બનાવવું જરૂરી છે જેથી દરેક વ્યક્તિને તેનો ફાયદો મળે. ડિજિટાઇઝેશન વિકાસ અને રોજગારીનો સ્રોત બને તે બાબત પણ ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ.

ભારતે કેટલાક કઠોર સુધારાઓ કર્યા છે. જેનાં ફળ હવે મળી રહ્યાં છે. ભારત હવામાનના મોરચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. દુષ્કાળ, વધુપડતી ગરમી, અનિયમિત વરસાદ વગેરે પરિબળોને કારણે ભારતના કૃષિ ક્ષેત્રને ગંભીર અસર થઈ છે.

આ ઉપરાંત એશિયન દેશોમાં થતાં પરિવર્તનની ભારત પર અસર થાય છે. શ્રીલંકા અને પાકિસ્તાન ભારતના પાડોશી દેશો છે અને ત્યાં અસ્થિરતાનો માહોલ છે. વળી, ચીનનું અર્થતંત્ર નાટયાત્મક રીતે ધીમું પડયું છે તેની સમગ્ર એશિયા પર અસર થઈ છે, એમ જ્યોર્જિવાએ જણાવ્યું હતું. `અત્યારે હું ભારતમાં હોઉં તો બાકીની દુનિયામાં શું બની રહ્યું છે અને તેની મારા પર કેવી અસર થશે તેની મને સ્થાનિક પરિબળો કરતાં વધુ ચિંતા થાય' એમ જ્યોર્જિવાએ કહ્યું હતું.