નવી દિલ્હી, તા. 17 (પીટીઆઈ) : ભારતે નાણાવર્ષ 2022-23ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન રશિયાથી યુરિયા અને ડીએપી સહિતના 34.19 લાખ ટન ફર્ટિલાઇઝર (ખાતર)ની આયાત કરી છે જે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ છે એમ સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું હોવા છતાં દેશની રશિયાથી ખાતરની આયાત વધી છે. ફર્ટિલાઇઝર મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન ભગવંત ખુબાએ લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં ભારતે અગાઉના વર્ષની તુલનાએ લગભગ બમણા કરતાં વધુ યુરિયાની આયાત કરી હતી.
2022-23ના ફેબ્રુઆરી સુધીમાં કુલ 34.19 લાખ ટન ખાતરની આયાત થઈ તેમાં 6.26 લાખ ટન યુરિયાની આયાતનો પણ સમાવેશ થાય છે. 2021-22ના સમગ્ર વર્ષમાં 2.80 લાખ ટન યુરિયાની આયાત થઈ હતી.
રશિયામાંથી યુરિયા ઉપરાંત ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી), મ્યુરિએટ અૉફ પોટાશ (એમઓપી) અને એનપીકે જેવાં બીજાં ખાતરની પણ નિકાસ થઈ છે. 2022-23ના એપ્રિલથી ફેબ્રુઆરી સુધીના સમયમાં 7.65 લાખ ટન ડીએપી, 0.43 લાખ ટન એમઓપી અને 19.85 લાખ ટન એનપીકેની આયાત થઈ હતી.
2021-22માં રશિયામાંથી ખાતરની કુલ આયાત 19.15 લાખ ટન, 2020-21માં 19.15 લાખ ટન અને 2019-20માં 11.91 લાખ ટન થઈ હતી. દેશમાં યુરિયા અને ડીએપી એમ બે ખાતરનો સૌથી વધુ વપરાશ થાય છે.
વધુમાં ખુબાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં યુરિયાનું ઉત્પાદન વધારવા માટે કેટલાંક પગલાં લીધાં છે. રોકાણની નવી યોજના અંતર્ગત દેશમાં ખાતરના છ નવા યુરિયા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. એક અલગથી આપેલા જવાબમાં ખુબાએ જણાવ્યું હતું કે 2022-23ની રવી સિઝનમાં ખાતરની ઉપલબ્ધિ પૂરતા પ્રમાણમાં હતી.