મુંબઈ, તા. 17 : દેશની ટોચની ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓ તાતા કન્સલ્ટન્સી સર્વિસ અને ઈન્ફોસીસનું યુનાઈટેડ સ્ટેટસની પ્રાદેશિક બૅન્કોમાં જોખમ સૌથી વધુ છે. યુનાઈટેડ સ્ટેટસની અમુક બૅન્કો હાલ નાણાકીય કટોકટીમાં ફસાઈ છે.
જે. પી. મોર્ગનના વિશ્લેષણકારે શુક્રવારે જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટસમાં પ્રાદેશિક બૅન્કોનો હિસ્સો તેમની આવકના 2-3 ટકા જેટલો છે. તાજેતરમાં બંધ પડી ગયેલી સિલિકોન વેલી બૅન્કમાં ટીસીએસ, ઈન્ફોસીસ અને નાની હરીફ એલટી-માઈન્ડ ટ્રીનો હિસ્સો 10-20 બેઝીસ પૉઈન્ટનો છે.
સિલિકોન વેલી બૅન્ક અને સિગ્નેચર બૅન્કનો ધબડકો થયો છે. યુએસ અને યુરોપિયન યુનિયનની અન્ય બૅન્કો નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આથી આ બૅન્કો તેમની ટેક્નૉલૉજી સેવાનો ખર્ચ ઘટાડશે.
ભારતીય આઈટી ઉદ્યોગ આ અગાઉથી જ યુરોપ અને યુનાઈટેડ સ્ટેટસ જેવા મહત્ત્વના બજારોમાં આર્થિક મંદીના વાતાવરણના પડકારનો સામનો કરી રહેલ છે. આ દેશોમાં કોરોના મહામારી બાદ માગ ઘટી છે. આથી લાંબા ગાળાના સોદાઓના નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે. આથી ટેક્નૉલૉજી ખર્ચ ઘટી રહ્યો છે.
બૅન્કિંગ કટોકટીના કારણે સોદાઓ પાર પાડવામાં વિલંબ થાય છે. આથી આગામી બે ત્રિમાસિક ગાળામાં મહેસૂલી આવક ઉપર અસર પડશે. નવા ઓર્ડર નક્કી કરવામાં વિલંબ થશે અને તેથી આગામી ચાર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક ઉપર અસર પડશે, એમ જે. પી. મોર્ગને જણાવ્યું છે. ભારતીય આઈટી કંપનીઓની મોટા ભાગની આવક બૅન્કિંગ, નાણાકીય સેવા કંપનીઓ અને વીમા ક્ષેત્રમાંથી આવે છે. બૅન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યુરન્સ (બીએફએસઆઈ) ક્ષેત્રમાં તેમનું એકસ્પોઝર યુએસ બૅન્કોમાં 62 ટકા અને યુરોપમાં 23 ટકા છે.
એલટી-માઈન્ડ ટ્રીએ આ સપ્તાહમાં જણાવ્યું હતું કે સિલિકોન વેલી બૅન્ક સહિતની યુએસ પ્રાદેશિક બૅન્કોમાં તેમનું જોખમ નગણ્ય છે.