• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આવકવેરાના વૈકલ્પિક માળખામાં ફેરફાર થશે  

કરદાતાઓને વધુ રાહત આપવાની જોગવાઈ થશે

નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ) : કેન્દ્રીય અંદાજપત્ર પહેલી ફેબ્રુઆરીએ જાહેર થશે તે પૂર્વે નાણામંત્રાલય સ્વૈચ્છિક આવકવેરા ફ્રેમવર્ક હેઠળના દરો ઘટાડવાનું અને સુધારેલા માળખા પ્રસ્તુત કરવાનું વિચારી રહ્યું છે. આમ છતાં તેનો આખરી નિર્ણય વડા પ્રધાન કાર્યાલય લેશે.

રૂા. 2.5 લાખ અને રૂા. પાંચ લાખ વચ્ચેની કુલ આવક પર પાંચ ટકા ટૅક્સ લાદવામાં આવે છે. રૂા. પાંચ લાખથી રૂા. 7.5 લાખની આવક પર 10 ટકા ટૅક્સ છે. રૂા. 7.5 લાખથી રૂા. 10 લાખ સુધી 15 ટકા ટૅક્સ છે. રૂા. 10 લાખથી રૂા. 12.5 લાખ સુધી 20 ટકા ટૅક્સ છે. રૂા. 12.5 લાખથી રૂા. 15 લાખ સુધી 25 ટકા ટૅક્સ છે. રૂા. 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટૅક્સ અત્યારે લાગુ થાય છે.

વ્યક્તિ અત્યારે કયા દરોના સેટ હેઠળ જવું તે નિર્ણય લઈ શકે છે. નવી ટૅક્સ પ્રણાલિનો કેટલી વ્યક્તિઓ લાભ લે છે તે આંકડા સરકારે જાહેર કર્યા નથી.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન તા. 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરનાર છે. તેમાં અટકળો એવી થાય છે કે સરકાર આવકવેરામાં રાહતની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપશે.

આરએસએસ સંબંધિત સાપ્તાહિક પંચજન્ય દ્વારા આયોજિત સમારોહમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે `હું પણ મધ્યમ વર્ગમાંથી આવું છું અને તેથી મધ્યમ વર્ગ ઉપર મોંઘવારીના બોજાને હું સમજી શકું છું.'

નવી વૈકલ્પિક આવકવેરા સ્કીમ જે છે તે વાર્ષિક આવક પર નીચા હેડલાઈન ટેકસેશન દરો ઓફર કરે છે. આમ છતાં નિષ્ણાતો જણાવે છે કે અનેક કરદાતા માટે આ સ્કીમ આકર્ષક નથી, કારણ કે તેમાં ઘરભાડાં અને વીમા ઉપર કરરાહત મળતી નથી.

નિષ્ણાતો જણાવે છે કે આગામી બજેટમાં પીપીએફ અને અન્ય કરબચત સ્કીમોમાં રોકાણને કપાત તરીકે માન્ય કરવું જોઈએ. આ ઉપરાંત 2023-24ના કેન્દ્રીય અંદાજપત્રમાં કન્સેશનલ ઈન્કમ ટૅક્સ રિજિમ હેઠળ 30 ટકા ટૅકસ માટેની ટોચમર્યાદા વધારીને રૂા. 20 લાખની કરવી જોઈએ.

અમુક કેસોમાં આ સ્કીમ ગતિમાન નહીં થવાથી ઊંચું કરભારણ આવે છે. નિષ્ણાતો માને છે કે કરદાતા માટે વૈકલ્પિક ટૅક્સ પ્રણાલિ આકર્ષક હોવી જોઈએ. વ્યક્તિઓ દ્વારા અમુક લોકપ્રિય કરકપાતો છે તે ચાલુ રાખવી જોઈએ. વધારામાં બેઝીક મુક્તિમર્યાદા બજેટમાં વધારવી જોઈએ અને ઊંચા વેરા માટે ટોચમર્યાદા વધારવી જોઈએ.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નવી આવકવેરા વ્યવસ્થામાં મુક્તિ અને કરકપાતની છૂટ આપવાથી સ્કીમ ગૂંચવાડાભરી બની જશે.