• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અદાણી ગ્રુપ તેના વિવિધ બિઝનેસને શૅરબજારમાં લિસ્ટ કરશે

મુંબઈ, તા. 22 : ફોલો-ઓન પબ્લિક અૉફર દ્વારા રૂા. 20,000 કરોડ એકત્ર કરવા માટે તૈયાર ગૌતમ અદાણીની ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. વર્ષ 2026 - 2029 સુધીમાં તેના માર્ગ, ઍરપોર્ટ સહિતના તમામ બિઝનેસ વર્ટિકલ્સને સ્વતંત્ર લિસ્ટિંગ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માગે છે. 

અદાણી એન્ટરપ્રાઈઝ એ ગ્રુપનું ઇન્ક્યુબેશન પ્લૅટફૉર્મ છે, જેણે પોર્ટ, ટ્રાન્સમિશન, રિન્યુએબલ અને સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશનને અલગ-અલગ લિસ્ટેડ કંપનીમાં શરૂ કર્યા છે. 

અદાણી ગ્રૂપના ચીફ ફાઈનાન્શિયલ અૉફિસર જુગેશેન્દ્ર સિંહે કહ્યું કે, એકવાર બિઝનેસ ત્રણ કસોટીઓ સ્વતંત્ર વ્યવસાય ચલાવવાની ક્ષમતા, સ્થિર મૂડી માળખું અને સંસ્થાકીય ક્ષમતા પૂરી કરે ત્યાર પછી તે પ્રોજેક્ટ અમલી બનાવી શકે છે અને વૈશ્વિકસ્તરે તેને સંચાલિત કરી શકે છે તે પૂરવાર થાય છે અને તે સંભવત: ડિમર્જર માટે ઉપલબ્ધ બને છે. 

તેમણે કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઈઝિસના છ મુખ્ય બિઝનેસ વર્ટિકલ્સ જેમાં પ્રાઈમરી ઉદ્યોગ, અદાણી વિલ્મર, એફએમસીજી કંપની, ઍરપોર્ટ, માર્ગ, ડેટા સેન્ટર્સ અને અદાણીના નવા ઉદ્યોગોનો સમાવેશ છે તે તેના યોગ્ય સ્થાને છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે વર્ષ 2026 - 2029 સુધીમાં તે તમામ તૈયાર થઈ જશે. 

ફોલો-ઓન અૉફરના ભંડોળનો ગ્રુપ તેની પેટાકંપનીઓના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, ઍરપોર્ટ સુવિધાઓ અને ગ્રીનફિલ્ડ એક્પ્રેસવેના નિર્માણમાં મૂડી ખર્ચની જરૂરિયાતો માટે રૂા. 10,869 કરોડનું રોકાણ કરશે. 

આ સિવાય રૂા. 4165 કરોડનો ઉપયોગ કંપનીનું દેવું તેમજ તેની ત્રણ પેટાકંપનીઓ-અદાણી ઍરપોર્ટ હૉલ્ડિંગ્સ લિ., અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. અને મુન્દ્રા સોલર લિ.ને આંશિક અથવા સંપૂર્ણ રૂપે ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કૉર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. 

એફપીઓ માટે ફ્લૉર પ્રાઈસ રૂા. 3112 નક્કી કરવામાં આવી છે જ્યારે તેની મર્યાદા રૂા. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને પ્રતિ શૅર 64નું વધારાનું ડિસ્કાઉન્ટ અૉફર કરવામાં આવશે. બિડર્સે શરૂઆતમાં અૉફર કિંમતનો અડધો ભાગ ચૂકવવો પડશે અને બાકીની રકમ એક અથવા વધુ તબક્કામાં ચૂકવવી પડશે. પ્રસ્તાવિત અૉફર 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. તેના મુખ્ય વ્યવસાયો ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝ જળ ક્ષેત્રે પણ તકો શોધી રહી છે. 

સિંહે કહ્યું કે, જળ એ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મુખ્ય તત્ત્વ છે અને અમે છેલ્લા 20-25 વર્ષથી મુખ્ય ઈન્ફ્રા પોર્ટફૉલિયોમાં છીએ. વોટર ટ્રિટમેન્ટ, જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન સંબંધિત તમામ ઘટકોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો મોટો અવકાશ છે અને અમે તકોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. કંપનીનો જળનો નાનો વ્યવસાય છે, જેનું મૂલ્યાંકન કરવાનું જાળવી રાખશું અને તેને કઈ રીતે વિસ્તારી શકાય તે ચકાસશું.  

જોકે, ગ્રુપની ટેલિકોમ ક્ષેત્ર માટેની કોઈ ચોક્કસ યોજના કે મહત્ત્વાકાંક્ષા નથી, એમ સિંહે કહ્યું હતું.