• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આ સપ્તાહે એકસ્પાયરી અને વૈશ્વિક પરિબળોની અસરે શૅરબજારની દિશા નક્કી થશે

નિફટી માટે મંદીમાં 17,900ની શક્યતા : ઉપરમાં 18,235

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : અગાઉના અઠવાડિયે એશિયન બજારમાં સુધારો છતાં છેલ્લા બે દિવસ ભારતનું શૅરબજાર ઘટાડે બંધ રહ્યું હતું. મીડિયા, એફએમસીજી, મેટલ અને ફાર્મા શૅરોમાં વેચવાલીને લીધે વાયદામાં ઘટાડો આવ્યો હતો. જોકે બૅન્કનિફટી, બૅન્કિંગ અને નાણાસેવાના શૅરોમાં થોડી લેવાલી જોવાઈ હતી. એફઆઈઆઈએ રૂા. 2002.25 કરોડના શૅરોનું વેચાણ કર્યુ હતું.

શેર વેચાણ રેશિયો 3:4 રહેવાથી બજારનું વલણ નકારાત્મક જણાય છે. મિડકૅપ અને સ્મોલકૅપ અનુક્રમે ઈન્ડેક્સ 0.78 અને 0.57 ટકા ઘટાડે રહ્યા હતા. સેન્સેક્ષ-નિફટી અનુક્રમે 0.39 અને 0.44 ટકા ઘટયા હતા.

આગામી અઠવાડિયાની શરૂઆત થોડી નકારાત્મક રહેશે. જેમાં 18,150ની નીચે 17,950ની સપાટીની શક્યતા બને છે. જેમાં 18,140ની ઉપર 18,170-18,202 અને 18,235નો ટાર્ગેટ રાખી શકાશે. જેનો સ્ટોપલોસ 18,074નો રાખવો. નીચેમાં 17,985-17,582 અને 17,900ની સપાટી આવશે. બૅન્કનિફટીમાં વલણ રેન્જ બાઉન્ડ રહેવા સાથે થોડું વલણ સકારાત્મક ગણી શકાય.

બૅન્કનિફટીમાં 42,800ની સપાટીએ નફાતારવણી આવી શકે છે, જ્યારે ઘટાડાની સ્થિતિમાં 42,350ની સપાટીએ પુન: શોર્ટ કવરિંગ (ખરીદી)ની શરૂઆતની શક્યતા છે, તો બૅન્કનિફટી 42,660 ઉપર ચાલશે તો દૈનિક ફેડમાં 42,720નું સ્તર આવી શકે છે. સ્ટોપલોસ 42,550 રાખી શકાય. ઉપરમાં 42,720થી 42,958નો ટાર્ગેટ રાખવો હિતાવહ છે. બૅન્કનિફટી વાયદો 42,425 ઉપર વેચાણમાં 42,360 આવશે જેનો સ્ટોપલોસ 42,510 અને નીચેનો ટાર્ગેટ 42,360થી શરૂ કરીને નીચેમાં 42,135ની સપાટી આવવાની સંભાવના છે.

દરમિયાન, અમેરિકાનું શૅરબજાર નેટફ્લિકસ અને ગુગલ જેવા શૅરોમાં સંગીન ખરીદીથી સુધરીને બંધ રહ્યું હતું. નેટફ્લિકસની કમાણી વધી છે. જ્યારે ગુગલે તેની સહયોગી અલ્ફાબેટમાં કર્મચારીઓ છટણીની જાહેરાત કરતા શૅર વધારે છે. કમ્યુનિકેશન ઈન્ડેકસ ચાર ટકા વધ્યો હતો. જોકે મંદીના ભણકારાને લીધે સુધારો સીમિત જળવાયો હોવાનું ચિત્ર ઉપસે છે. વોલસ્ટ્રીટમાં સુધારાને કારણે યુરોપનાં બજારો સુધારે બંધ રહ્યાં હતાં. જોકે, યુરોપની મધ્યસ્થ બૅન્ક ફુગાવો ઘટાડવા સંભવત: વ્યાજદર વધારે તેવા સંકેતને લીધે ગુરુવારે ઉપરના ભાવે થોડી નફાતારવણી આવી હતી. આમ છતાં પ્રવાસન અને જહાજી ક્ષેત્રના શૅરોમાં મોટી લેવાલીથી મોટા ભાગના ક્ષેત્રોના ઈન્ડેકસ સકારાત્મક બંધ રહ્યા હતા.

સમગ્ર રીતે જોઈએ તો સ્થાનિક બજાર અન્ય એશિયન બજારની સરખામણીએ નકારાત્મક રહ્યું હતું. અગાઉના અર્ધ સપ્તાહ દરમિયાન બાયર સાઈડવેવમાં રહ્યા પછી છેલ્લા સત્રોમાં નકારાત્મક બંધ આવ્યા હતા. હવે આગામી અઠવાડિયે એફઍન્ડઓ એકસ્પાયરી તારીખ અને વૈશ્વિક બજારના વલણને પારખીને બજારમાં રોકાણકારો-ટ્રેડરો બજારને ચલાવશે એમ વિશ્લેષકો માને છે.

એશિયન બજારોમાં હૅંગસૅંગ, શાંઘાઈ અને તાઈવાન લ્યુનાર વર્ષને લીધે સોમવારે બંધ રહેશે. ભારતીય શૅરબજાર સોમવારે સુધરીને ખૂલવાની ધારણા છે.