• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અમેરિકાના આર્થિક આંકડાઓની જાહેરાત પૂર્વે સોનાની તેજી અટકી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા. 23 : વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં નવી તેજી અટકી ગઇ છે પણ ડોલર નબળો હોવાને લીધે ભાવ ઘટતા નથી. ન્યૂયોર્કમાં 1926 ડોલરના મથાળે સોનાનો ભાવ મક્કમ રહ્યો હતો. ચાલુ સપ્તાહમાં અમેરિકાના કેટલાક મહત્વના આર્થિક આંકડાઓની જાહેરાત થવાની હોવાથી બજારમાં વધઘટ પાંખી રહેશે. 

સીએમસી માર્કેટના વિષ્લેષક કહે છેકે, ગયા સપ્તાહની ટોચ પછી બજારમાં થોડો ઘટાડો થયો છે પણ ભાવ ઘટતા નથી એટલે રાહત છે. તેમના મતે 1896 ડોલર મહત્વની ટેકારૂપ સપાટી તરીકે કાર્ય કરશે. નવા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થવાની છે એ  પછી બજારને કોઇ દિશા મળશે. ફેડની બેઠક 31 જાન્યુ. 1 ફેબ્રુ. એમ બે દિવસ મળવાની છે. 

દરમિયાન ફેડના ગવર્નરે ગયા સપ્તાહે એવું કહ્યું હતુ કે, 0.25 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કરવામાં આવશે. જે ગયા મહિનાની બેઠક કરતા અર્ધો જ હશે. એ કારણે ડોલરમાં વધુ નબળાઇ આવી શકે અને સોનાને ફાયદો મળી શકે તેમ છે. ફંડો અને રોકાણકારો ગુરુવારે અમેરિકાના ચોથા ત્રિમાસિકના જીડીપી ડેટા જાહેર થાય તેની રાહ જોઇ રહ્યા છે. અમેરિકાના પર્સનલ સ્પેન્ડીંગના ડેટાની જાહેરાત શુક્રવારે થવાની છે અને એ પછી ફેડની બેઠક છે. બુલિયન બજાર માટે નવું સપ્તાહ ભારે ઉતારચડાવવાળું રહેશે એમ જણાય છે. ફેડ હવે કદાચ થોડાં જ મહિનાઓમાં વ્યાજદર વધારાની સાઇકલ અટકાવી દે તેમ લાગે છે અથવા વ્યાજદર વધારો થાય તો પણ તે દર ઘણો નીચો હશે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.30 વધીને રૂ. 57750 અને મુંબઇમાં રૂ. 57044ના મથાળે ટકેલો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 67200 સ્થિર હતી જ્યારે મુંબઇમાં રૂ. 180 ઘટતા રૂ. 68273 રહી હતી.