• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આઈડીબીઆઈ બૅન્કનો ચોખ્ખો નફો 60 ટકા વધીને રૂા. 927 કરોડ થયો 

બૅન્કે અસ્ક્યામતોની ગુણવત્તામાં સુધારો નોંધાવ્યો

મુંબઈ, તા. 23 : અગ્રણી આઈડીબીઆઈ બૅન્કનો ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 60 ટકા કરતાં સહેજ વધીને રૂ. 927.3  કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 578 કરોડ થયો હતો.

બૅન્કની અસ્ક્યામતોની ગુણવત્તામાં સુધારો થવાથી અને જોખમ સામે કરવામાં આવતી નાણાકીય જોગવાઈમાં સામાન્ય ઘટાડો થવા સાથે નીચા વેરા ખર્ચના કારણે પણ બૅન્કની નફાશક્તિમાં વધારો થયો હતો. 

બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક આશરે 23 ટકા વધીને રૂ. 2,925 કરોડની થઈ હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં 0.71 ટકાનો વધારો થઈને 4.59 ટકા થયું છે. માર્જિનમાં ત્રિમાસિક ધોરણે 0.22 ટકાનો વધારો થયો છે.

બૅન્કનો ધિરાણનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે 17.3 ટકા વધીને રૂ. 1.48 લાખ કરોડનો થયો હતો. બૅન્કમાં જમા થયેલી એફડીની માત્રા 4.5 ટકા વધીને 2.32 લાખ કરોડ થઈ હતી. 

જોખમો સામે નાણાકીય જોગવાઈ અને આકસ્મિક ભંડોળની જોગવાઈમાં વાર્ષિક ધોરણે 2.2 ટકાનો ઘટાડો થઈ તે રૂ. 784.3 કરોડ થઈ હતી. એનપીએ સામે કરવામાં આવતી નાણાકીય જોગવાઈમાં 0.75 ટકાનો ઘટાડો થઈ તે 232.8 કરોડની થઈ હતી. 

જો કે ત્રિમાસિક ધોરણે આ બંને વિભાગની જોગવાઈ વધી હતી. 

ત્રિમાસિક ધોરણે  બૅન્કે ડૂબવા પાત્ર લોનમાં પણ ઘટાડો નોંધાવ્યો છે. બૅન્કની ગ્રોસ એનપીએ 2.69 ટકા ઘટીને 13.82 ટકા થઇ છે, જ્યારે નેટ એનપીએ 0.08 ટકા ઘટીને 1.07 ટકા થઈ છે.  

સૂચિત ગાળામાં બૅન્કની વ્યાજ સિવાયની આવક વાર્ષિક ધોરણે 0.25 ટકા ઘટીને રૂ. 857 કરોડ થઈ હતી, જ્યારે જોગવાઈ પહેલાંનો સંચાલિત નફો 16 ટકા વધીને રૂ. 2051.4 કરોડ થયો હતો.

બૅન્કનો શૅર એનએસઈમાં સત્રના અંતે 0.46 ટકા વધીને રૂ. 54.90ના સ્તરે બંધ આવ્યો હતો.