નેટ એનપીએ 2.19 ટકાથી ઘટીને 1.96 ટકા થઈ
મુંબઈ, તા. 23 : જાહેર ક્ષેત્રની અગ્રણી કેનેરા બૅન્કનો ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 92 ટકા ઊછળીને રૂ. 2,881 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 1,502 કરોડ થયો હતો. બૅન્કે સૂચિત ત્રિમાસિક ગાળામાં ડૂબવા પાત્ર લોનમાં પણ ઘટાડો નોંધાવ્યો છે.
બૅન્કની કુલ એનપીએ (ડૂબવાપાત્ર લૉન - નોન પર્ફોર્મિંગ એસેટ્સ) ત્રિમાસિક ધોરણે 6.37 ટકાથી ઘટીને 5.89 ટકા થઈ હતી, જ્યારે નેટ એનપીએ 2.19 ટકાથી ઘટીને 1.96 ટકા થઈ હતી.
બૅન્કની આવક વાર્ષિક ધોરણે વધીને રૂ. 26,218 કરોડ થઈ હતી, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 21,312 કરોડ થઈ હોવાનું કેનેરા બૅન્કે બીએસઈને કરેલા ફાઈલિંગમાં જણાવ્યું હતું.
આ સાથે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બૅન્કને વ્યાજ દ્વારા થયેલી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બૅન્કની વિવિધ સેવાઓ દ્વારા થયેલી આવક વાર્ષિક ધોરણે વધીને 22,231 કરોડ થઈ હતી જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 17,701 કરોડની થઈ હતી.
આ સાથે બૅન્કની જોખમ સામેની મૂડીની સરેરાશ (કૅપિટલ એડિક્વેસી રેશિયો- સીએઆર) ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 14.80 ટકાથી વધીને 16.72 ટકા થયો હતો.
ગત સપ્તાહે કેનેરા બૅન્કે જાહેર કર્યું હતું કે તે રશિયન સંયુક્ત સાહસ કમર્શિયલ ઈન્ડો બૅન્ક એલએલસી (સીઆઇબીએલ)માં તેનો હિસ્સો આશરે રૂ. 114 કરોડમાં વેચશે.