• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

એસએટીએ સેબીના આદેશને ફગાવ્યો : રૂા. 624 કરોડનો દંડ માફ કર્યે 

એનએસઈ કો-લૉકેશન કેસ 

એનએસઈ, ચિત્રા રામકૃષ્ણ અને રવી નારાયણને રાહત અપાઈ

મુંબઈ, તા. 23 : માર્કેટ નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) દ્વારા નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ) અને તેમના પૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણ વિરૂદ્ધ તેમના કથિત ગેરકાયદે વ્યવહાર સામે રૂા. 624 કરોડ ભરપાઈ કરવાના આપેલા આદેશને સિક્યુરિટીઝ એપેલેટ ટ્રબ્યુનલ (એસએટી)એ રદ કર્યો છે. આ ચુકાદાથી એનએસઈ અને રામકૃષ્ણને રાહત મળી છે. 

જોકે, ટ્રબ્યુનલે એનએસઈને કાયદાનું અનુપાલન નહીં કરવા માટે રૂા.100 કરોડનો દંડ કર્યે હોવાનું ધારાશાત્રીઓએ જણાવ્યું હતું. એનએસઈ સામે થયેલી તપાસના તારણોને આંશિક રીતે એસએટીએ રદ કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

આ સાથે એસએટીએ રામકૃષ્ણ સાથે એનએસઈના પૂર્વ સીઈઓ રવી નારાયણ સામેની દંડની સજા જતી કરી છે અને તે સાથે તેમની ઉપર મૂકવામાં આવેલા પાંચ વર્ષના પ્રતિબંધને અત્યાર સુધીમાં થયેલા પ્રતિબંધના સમય સુધી ઘટાડવામાં આવ્યો છે. આમ, તેમનો પ્રતિબંધ એક રીતે સમાપ્ત કરવામાં આવ્યો છે. જોકે, સેબીએ તેમની સામે કરેલી તપાસના તારણોને જાળવી રાખવામાં આવ્યા છે. 

એપ્રિલ 2019માં સેબીએ એનએસઈ ઉપર રૂા. 624 કરોડનો દંડ અને વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ ભરવાનો આદેશ આપ્યો હતો. સ્ટૉક એક્સ્ચેન્જિસ ઍન્ડ ક્લિયરિંગ કૉર્પેરેશન (એસઈસીસી)ના ધોરણોનો ભંગ કરવા માટે એપ્રિલ 2014થી અમલમાં આવે તે રીતે દંડ અને વ્યાજની રકમ વસૂલ કરવાનો આદેશ સેબીએ આપ્યો હતો. 

સેબીએ કો - લોકેશન કેસમાં તપાસ કર્યા બાદ આ આદેશ આપ્યો હતો. એનએસઈએ કો-લોકેશન સુવિધા 2009માં શરૂ કરી હતી અને ટ્રેડર્સ અને બ્રોકરો પાસેથી ફી વસૂલ કરીને એનએસઈના પરિસરમાં તેમને આઈટી સર્વર બેસાડવાની પરવાનગી આપી હતી. જોકે, થયેલી ફરિયાદ અનુસાર એનએસઈએ અમુક ક્લાઈન્ટ્સને લાભ કરાવી આપવા માટે વિશેષ સુવિધા આ વ્યવસ્થા હેઠળ પુરી પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.