• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

રાજકોટમાં સોનાનો ભાવ પ્રથમ વખત રૂ. 58 હજારને પાર 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા. 24 : અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારાના મામલે આક્રમક વલણ નહીં અપનાવે એ બાબત પર સટ્ટો જામતા સોનામાં નવેસરથી તેજી થઇ છે અને ભાવ ઉંચકાઇને વિશ્વબજારમાં 1940 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો છે. જોકે બીજી તરફ ચાંદીની તેજી ટકી જતા 23.63 ડોલરની સપાટીએ ભાવ રહ્યા હતા. રાજકોટમાં નવા ઉંચા ભાવનો રેકોર્ડ સર્જાયો છે.  

2023ની શરૂઆતથી સોનાના ભાવમાં 120 ડોલરની તેજી આવી ચૂકી છે. ફેડ હવે 0.25 ટકાનો વ્યાજદર વધારો કરશે એવી અટકળો પ્રબળ બની ગઇ છે એ કારણે હવે સોનામાં તેજીનો માહોલ છે. ડિસેમ્બરથી જ ફેડે વ્યાજદરમાં ઘટાડો કરી નાંખ્યો છે. પાછલા મહિને 0.75 પોઇન્ટને બદલે 0.50 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો હતો. હવે આ વધારો 0.25 પોઇન્ટનો કરાશે એમ દેખઆય છે.  

ફેડની બેઠક આવતા સપ્તાહે મંગળવારે મળવાની છે એ મુદ્દે સટ્ટો ચાલી રહ્યો છે. કેટલાક વિષ્લેષકો એમ કહે છેકે, હવે અમેરિકામાં રિસેશનની સ્થિતિ સર્જાય એવી શક્યતા હોવાથી ફેડને વ્યાજદરમાં મોટો વધારો કરવાનું વલણ છોડવું જ પડે તેમ છે. જોકે ફેડ ચાલુ વર્ષે હજુ વ્યાજદર વધારા કરવા ઇચ્છે છે. છતાં સોનાની બજારને 1900 ડોલરની સપાટીએ ટેકો મળી જાય તેમ છે.  અમેરિકાના ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપી ડેટાની જાહેરાત ગુરુવારે થવાની છે અને એ પછી ફેડની બેઠક છે એટલે બજારની નજર એ તરફ મંડાયેલી છે. આ ગાળામાં વધઘટ ખૂબ રહે તેમ જણાય છે.  રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 330ના સુધારામાં રૂ. 58080 અને મુંબઇમા રૂ. 278 ઉંચકાઇને રૂ. 57322 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 200 ઘટી જતા રૂ. 67000 અને મુબઇમાં રૂ. 136 ઘટીને રૂ. 68137 રહી હતી.રાજકોટમાં સોનાનો ભાવ પ્રથમ વખત 58 હજારની સપાટીને વળોટી ગયો હતો.