નવી દિલ્હી, તા. 24 : તા. 1 ફેબ્રુઆરીએ જાહેર થનારા કેન્દ્રીય અંદાજપત્રમાં કેન્દ્ર સરકાર
વધુ રોજગારલક્ષી ક્ષેત્રોને
પ્રોડક્શન લીન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)સ્કીમમાં આવરી લેવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સંભવીત નવા ક્ષેત્રોમાં રમકડાં, સાયકલ, ચર્મ બનાવટો, પગરખાં જેવા અમુક ક્ષેત્રોને આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.
અગાઉ કેન્દ્ર સરકારે 14 ક્ષેત્રો માટે રૂા. 2 લાખ કરોડના ફંડની જોગવાઈ સાથેની પીએલઆઈ સ્કીમ જાહેર કરી હતી. આ 14 ક્ષેત્રોમાં ટેક્સ્ટાઈલ્સ, અૉટોમોબાઈલ્સ, અૉટો કોમ્પોનન્ટ્સ, વ્હાઈટ ગુડ્સ, ફાર્મા, ફૂડ પ્રોડક્ટ્સ, હાઈ-એફિશિયન્સી સોલાર પીવી મોડયુલ્સ, એડવાન્સ કેમિસ્ટ્રી સેલ અને સ્પેશિયલ સ્ટીલનો સમાવેશ થયો હતો.
પીએલઆઈ સ્કીમમાં અગાઉ 14 ક્ષેત્રો માટે જે રૂા. 2 લાખ કરોડની જોગવાઈ કરાઈ હતી, તેમાં અમુક રકમ બચે છે. આ બચેલી રકમમાંથી અન્ય ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કીમ જાહેર કરાય તેવી શક્યતા છે.
સપ્ટેમ્બર 2022ના પીએલઆઈ સ્કીમ એલએસઈએમ (લાર્જ સ્કેલ ઈલેકટ્રોનીક્સ મેન્યુફેક્ચરીંગ) માટે જાહેર થઈ હતી. આ હેઠળ રૂા. 2,03,952 કરોડના કુલ ઉત્પાદન માટે રૂા. 4,784 કરોડનું રોકાણ આકર્ષી શકાયું છે. આમાં રૂા. 80,769 કરોડની નિકાસનો પણ સમાવેશ થાય છે.
એલએસઈએમ માટેના પીએલઆઈ સ્કીમના કારણે અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો જેવા કે ફોક્સકોન, સેમસંગ, પેગાટ્રોન, રાઈઝીંગ સ્ટાર, વીસ્ટ્રોનને ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માટે આકર્ષી શકાયા છે.
આ ઉપરાંત સ્થાનિક કંપનીઓ જેવી કે લાવા, માઈક્રોમેક્સ, ઓપ્ટીમસ, યુનાઈટેડ ટેલીલીન્ક્સ નીઓલીન્કસ, પેજેટ ઈલેક્ટ્રોનિક્સે પીએલઆઈ સ્કીમનો લાભ લીધો છે. આ સ્કીમ હેઠળ તમામ 14 ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની નોંધાપાત્ર હિસ્સેદારી જોવા મળી છે. કેન્દ્રીય વેપાર ઉદ્યોગ ખાતાએ તા. 16 ડિસેમ્બર 2022ના જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી 13 સ્કીમો હેઠળ 650 અરજીઓ મંજૂર કરાઈ છે અને 100થી વધુ એમએસએમઈ એકમો પીએલઆઈ સ્કીમનો લાભાર્થી રહ્યા છે.
આ ક્ષેત્રોમાં બલ્ક ડ્રગ્સ, મેડિકલ ડિવાઈસીસ, ટેલિકોમ, વાઈટ ગુડ્સ અને ફૂડ પ્રોસેસિંગનો સમાવેશ થાય છે.