• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઘઉંની અભૂતપૂર્વ અછત  

50 ટકા ફલોર મિલો અને ગ્રેડિંગ યુનિટ બંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 જાન્યુ.

ઘઉંના ભાવ ઐતિહાસિક અીને અભૂતપૂર્વ ઊંચી સપાટીએ પહોંચ્યા છે ત્યારે માલની અછતને કારણે દેશની 50 ટકા ફલોર મિલો અને ગ્રેડિંગ યુનિટ બંધ થઈ ગયા છે અને બાકીના તેમની કુલ ક્ષમતાથી અડધી ક્ષમતામાં જ કામ કરી રહ્યા છે. આ એક તંદુરસ્ત વેપારની નિશાની નથી. એફસીઆઈએ 20 લાખ ટન ઘઉં ઓપન સેલમાં છૂટા કરવાની જાહેરાત તો કરી છે, પણ તેની કોઈ મોડાલિટી જાહેર કરાઈ નથી. એ બજારમાં આવતા બીજા બે-ત્રણ અઠવાડિયા લાગી જશે. ત્યાં સુધીમાં તો કેટલાક રાજ્યમાં નવા ઘઉંની આવકનો પ્રારંભ થઈ જશે. પછી ઓપન સેલના ઘઉંનો અર્થ નહીં સરે. એફસીઆઈનો વહીવટ સિમિત કેમ છે? એવું આશ્ચર્ય સર્વત્ર વ્યક્ત થઈ રહ્યું છે.

નવી મુંબઈના દાણાબંદર બજારમાં 2007 બાદ પ્રથમવાર ગોદામો તળિયાઝાટક દેખાઈ રહ્યા છે. નવા વેપાર કોઈ ગોઠવતા નથી. સરકારે કેટલા સમય પહેલા 20 લાખ ટન ઓપન સેલના ઘઉં છૂટા કરવાની જાહેરાત કરી, પણ તે બજારમાં આવતા નથી. નવી સિઝનમાં પાકના અંદાજો પ્રાસ્તાવિક આવી રહ્યા છે ત્યારે એફસીઆઈની ઉદાસીનતા સમજાતી નથી એવી ટકોર ઘઉંના વિશ્લેષક દેવેન્દ્ર વોરાએ કરી હતી.

તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલમાં ઘઉંની નવી બમ્પર આવરકો શરૂ થશે ત્યારે જૂના ઘઉંના ઓપન સેલ ટેન્ડરનો મતલબ નહીં રહે. વેપારીઓ, ખેડૂતો, ફલોરમિલો ખોટના ખાડામાં ઉતરી શકે.

વેપારીઓએ વારંવાર કરેલી વિનંતીઓ કાને ધરાઈ નથી. સરકારે જાહેર કરેલા વેપાર બોર્ડમાં અનાજ, દાળ, કઠોળના વેપારી સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો નથી. આથી એફસીઆઈના અધિકારીઓ તેમની મનમાની કરી ઘઉંની બજારને વધુ ભડાવી દીધી છે એવો આક્ષેપ પણ વોરાએ કર્યો હતો.

આ સપ્તાહમાં બજાર વધુ રૂા. 100 જેવી વધી આવી હતી. માગ છે, પણ પુરવઠો ક્યાં છે? બજાર ભડકે બળે છે. આ સપ્તાહમાં મિલબર ઘઉંના ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 3150ના મથાળે પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્ર ટુકડીના બેસ્ટ ભાવ વધીને રૂા. 3500થી 3700, સુપરના રૂા. 3750થી 4000ના સ્તરેરહ્યા હતા.

ઉત્તર ગુજરાત ટુકડીના રૂા. 3350ના મથાળે હતા. એમપી લોકવનના નીચામાં વધીને રૂા. 3400થી 3450, મિડિયમના રૂા. 3550થી 3600 અને બેસ્ટના રૂા. 3650થી 3700ના મથાળે હતા.

એમપી ટુકડીના એવરેજના વધીને રૂા. 3400થી 3450, ઢબસરના રૂા. 3550થી 3600 અને બેસ્ટના રૂા. 3650થી 3700ના મથાળે હતા.

એમપી શરબતીના નીચામાં રૂા. 3800થી 4000 અને ઉપરમાં રૂા. 4200થી 4500ના સ્તરે રહ્યા હતા. એમપી માલવરાજના રૂા. 3100થી 3200નામથાળે હતા. રાજસ્થાન લોકવનના વધીને રૂા. 3400થી 3500 અને રાજસ્થાન ટુકડીના રૂા. 3500થી 3550ના મથાળે રહ્યા હતા.