• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ટીસીએસનો ડિસેમ્બર ત્રિમાસિકનો ચોખ્ખો નફો 11 ટકા વધી રૂા. 10,846 કરોડ થયો  

કંપનીએ પ્રતિ શૅર રૂા. 75નું ડિવિડન્ડ જાહેર કર્યું

મુંબઈ, તા. 9 : આઈટી સર્વિસીસ પ્રદાન કરતી દેશની અગ્રણી સૉફ્ટવેર કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) લિમિટેડનો ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો આશરે 11 ટકા વધી રૂા. 10,846 કરોડ થયો છે. ગત વર્ષે સમાન ગાળામાં ટીસીએસનો ચોખ્ખો નફો રૂા. 9806 કરોડ થયો હતો. જ્યારે આવકમાં 19 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો ચાર ટકા વધતાં સમીક્ષકોને સુખદ આશ્ચર્ય થયું હતું. શૅરબજારના સત્રના અંતે એનએસઈમાં ટીસીએસના શૅરનો ભાવ રૂા. 108.40 (3.38 ટકા) વધીને રૂા. 3319.95 થયો હતો. આ સાથે કંપનીએ પ્રતિ શૅર રૂા. 67નું વિશેષ ડિવિડન્ડ અને રૂા. આઠનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આમ, પ્રતિ શૅર રૂા. 75નું ડિવિડન્ડ શૅરધારકોને 8મી ફેબ્રુઆરીએ ચૂકવવામાં આવશે.

કંપનીની એકત્રિત આવક ત્રિમાસિક ધોરણે 5.3 ટકા વધીને રૂા. 58,229 કરોડ થઈ હતી.

કંપનીના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને આ સંદર્ભે કહ્યું કે ભૂ-રાજકીય તણાવ ધરાવતા વૈશ્વિક માહોલ વચ્ચે કંપનીનો વિકાસ મજબૂત રહેવાથી અમને સંતોષ થયો છે. કલાઉડ સર્વિસીસ, ઉત્તર અમેરિકા અને યુકેમાં સતત પ્રગતિના કારણે કંપનીનો દેખાવ ત્રીજા ત્રિમાસિકમાં શ્રેષ્ઠ રહ્યો હતો. ટીસીએસએ ડિસેમ્બર ગાળામાં 7.5 અબજ ડૉલરના સોદા મેળવ્યા હતા, જે પાછલા બે ત્રિમાસિક ગાળાની તુલનાએ સહેજ ઓછા છે.