• શનિવાર, 25 માર્ચ, 2023

અદાણી ફાઈવ-જીની ખાનગી નેટવર્ક સર્વિસ શરૂ કરશે  

મુંબઈ, તા. 9 : ટેલિકોમ ક્ષેત્રે નવું પ્રવેશનાર અદાણી ગ્રુપ વર્ષ 2023માં એન્ટરપ્રાઈઝ માટે ફાઈવ-જી સર્વિસીસ શરૂ કરશે. ગ્રુપે એવું પણ જણાવ્યું છે કે તે તેની ડિજિટલ વ્યૂહરચનાના ભાગરૂપે આ વર્ષે કન્ઝ્યુમર એપ્સ રજૂ કરશે.  

નવા વર્ષે કર્મચારીઓને સંબોધતા ચૅરમૅન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ ડેટા સેન્ટરના નેટવર્કને વિસ્તારવામાં, એઆઈએમએલ અને ઔદ્યોગિક ક્લાઉડ ક્ષમતાઓનું નિર્માણ કરવા, ફાઈવ-જી સર્વિસીસ અને બીટુસી એપ્સ રજૂ કરવા માટે રોકાણ કરશે. અદાણીએ કહ્યું કે, આ તમામ મોટા રોકાણો છે, સ્વતંત્ર છતાં પરસ્પર જોડાયેલી ડિજિટલ તકો છે જે ઊર્જા વ્યવસાયમાં અમારી સંલગ્નતા દ્વારા સમર્થિત છે.  

ગુજરાતસ્થિત ગ્રુપે વર્ષ 2022માં ફાઈવ-જી હરાજીમાં ભાગ લીધો ત્યારે અન્ય ઉદ્યોગપતિઓ આશ્ચર્યમાં મૂકાયા હતા. અદાણી ગ્રુપે રૂા. 212 કરોડમાં 400 એમએચઝેડમાં સ્પેક્ટ્રમ ખરીદવા માટે ભાગ લીધો હતો. અદાણી તેના પોતાના સહિત એન્ટરપ્રાઇઝને ખાનગી નેટવર્ક સર્વિસીસ પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. જોકે, ટેલિકોમ અૉપરેટર ભારતી એરટેલે ગયા વર્ષના અંતમાં મહિન્દ્ર ગ્રુપ સાથે પ્રથમ ખાનગી ફાઈવ-જી નેટવર્ક સોદો કર્યો હતો.  રિલાયન્સ જિઓએ એ પણ સંકેત આપ્યો છે કે ખાનગી ફાઈવ-જી ભવિષ્યમાં ઓપરેટર માટે મુદ્રીકરણ માટે મુખ્ય માર્ગ બનશે. અન્ય એકમો, જેમ કે આઈટી અગ્રણી ટીસીએસ પણ ખાનગી નેટવર્ક માર્કેટમાં ભાગ લઈ શકે છે. તેઓ ડીઓટી અને ટ્રાઈ તરફથી સ્પેક્ટ્રમ અસાઇનમેન્ટ નિયમોની રાહ જોઈ રહ્યા છે. ખાનગી નેટવર્કના ઉપયોગ માટે કંપનીઓને વહીવટી ફાળવણી દ્વારા સ્પેક્ટ્રમ ફાળવાશે.