• શનિવાર, 25 માર્ચ, 2023

ચાલુ ખાતાની ખાધ ઉપર સતત ધ્યાન આપવું પડશે   

આર્થિક સર્વેમાં કરવામાં આવેલી તાકીદ 

નવી દિલ્હી, તા. 31 (એજન્સીસ) : આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના પહેલા દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કરેલા આર્થિક સર્વેમાં નાણાં વર્ષ 2023-24 દરમિયાન દેશનો વિકાસ દર (જીડીપી) 6.5 ટકાની આસપાસ રહેવાનું અનુમાન જાહેર કરવાની સાથે ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ - સીએડી) ઉપર સતત ધ્યાન રાખવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. જ્યાં સુધી ફુગાવો અથવા ભાવ ઊંચા રહેશે ત્યાં સુધી ચાલુ ખાતાની ખાધ વધતી રહેશે, એમ નાણાપ્રધાને ઉમેર્યું હતું. જોકે, દેશનું અર્થતંત્ર મજબૂત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. સર્વે અનુસાર જો સીએડી વધશે તો ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમેરિકન ડૉલર સામે વધારે દભાણ હેઠળ આવશે. એકંદરે બાહ્ય પરિસ્થિતિ અંકુશમાં રહી શકે તેવી છે અને ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવા અને રૂપિયામાં તોફાની વધઘટને ટાળવા માટે ભારત પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ઉપલબ્ધ હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે. 

રિઝર્વ બૅન્કના તાજા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં પૂરાં થયેલા ત્રિમાસિક ગાળામાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના 4.4 ટકા થઈ હતી, જે એપ્રિલ - જૂન ગાળામાં 2.2 ટકા રહી હતી. આયાત અને નિકાસ વચ્ચે મોટા તફાવતના કારણે સીએડીમાં વધારો થયો હતો. 

સ્થાનિક ધોરણે માગમાં આવેલો અચાનક નક્કર વધારો અને આંશિક ધોરણે નિકાસમાં પણ વધારો થવાના કારણે દેશની સીએડી કાબૂમાં રહી હોવાનું સર્વેમાં જણાવવામાં  આવ્યું છે. આ વર્ષના વિકાસની ગતિની અસર આવતા વર્ષના વિકાસને પણ પ્રભાવિત કરનારી હોવાથી તેની ઉપર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે, એમ સર્વેમાં ઉમેરવામાં આવ્યું છે. 

નાણાં વર્ષ 2022-23માં અત્યાર સુધી નિકાસ કરતાં આયાતનો વિકાસ દર વધારે રહ્યો હોવાથી ચાલુ ખાતાની ખાધમાં વધારો થયો હોવાનું સર્વેએ જણાવ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં એવું નિવેદન કર્યું હતું કે દેશની ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવી શક્ય છે અને વ્યવહારુતાના માપદંડમાં તે બેસે છે. અનિશ્ચિત વૈશ્વિક માહોલ વચ્ચે દેશનું અર્થતંત્ર સફળતા પૂર્વક આંચકા સહન કરી રહ્યું છે અને બૃહદ અર્થતંત્રના મજબૂત ફન્ડામેન્ટલ્સને અનુસરીને આગેકૂચ કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વૈશ્વિક સ્તરે માગમાં નરમાઈના કારણે જણસોની નિકાસને અસર પડી છે, પરંતુ આપણી સર્વિસીસની નિકાસ અને વિદેશી ચલણની આયાત મજબૂત રહી છે અને તે કારણે ચાલુ ખાતાની ખાધ અમુક અંશે ઘટી છે, એમ દાસે જણાવ્યું હતું.