અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા. 2 : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ નવ મહિનાની ઉંચી સપાટીએ પહોંચતા સાંજે 1960 ડોલર રનીંગ હતો. ઘરઆંગણે સોનાની આયાત જકાતમાં ગઇકાલે અંદાજપત્રીય ફેરફાર નથી થયો પણ વિશ્વ બજારમાં ફેડની બેઠક પછી તેજી થઇ ગઇ છે. ચાંદીનો ભાવ પણ 24.41 ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા ગઇકાલે બેઠકમાં 0.25 ટકાનો વ્યાજદર વધારો કરવામાં આવ્યો છે. જોકે હવે ઝડપભેર ફેડ દ્વારા વ્યાજદર વધારાની સાઇકલ અટકાવી દેવામાં આવશે એવું જણાય રહ્યું હોવાથી સોનામાં તેજી ઉકળી છે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકની બેઠક ગઇકાલે પૂરી થઇ હતી અને સતત બીજા મહિનામાં વ્યાજદર અગાઉ કરતા અર્ધો કાપી લેવાયો છે. ફુગાવા સામે ફેડને લડવામાં સફળતા મળી છે. કારણકે હવે જે આર્થિક આંકડાઓ આવી રહ્યા છે તે નબળા ઠરે છે. હાલ એ કારણે ફેડ ગમેત્યારે વ્યાજદર વધારો કરવાનું ટાળે કે અપેક્ષા પ્રમાણેના દર વધારા ચાલુ વર્ષે ન આવે એવું ટ્રેડરો માનવા લાગ્યા છે. વ્યાજદર વધારો અટકી જા તો સોનાને ઉંચા મથાળે જવામાં ઘણી જ સરળતા થઇ જશે.
ટ્રેડરો કહે છે, જો આર્થિક વિકાસના આંકડાઓ હજુ નબળા આવતા જાય તો ફેડને વ્યાજ અંગે પુનર્વિચાર પણ કરવો પડશે. હવે કેટલાક વધારા કરીને ફેડ વ્યાજદર સ્થિર કરી મૂકશે એમ પણ તેમણે કહ્યું હતુ. બીજી તરફ યુરોપીયન સેન્ટ્રલ બેંક અનેબેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ગુરૂવારે વ્યાજદર અંગેની બેઠક મળવાની હતી. એમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કરવામાં આવે એવી પ્રબળ શક્યતા જણાતી હતી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 550ની તેજીમાં રૂ. 58750 અને ચાંદીનો ભાવ જકાત વધારો અને વૈશ્વિક તેજીની અસરથી રૂ. 700 વધીને રૂ.68700 રહ્યો હતો. મુંબઇમાં સોનાનો ભાવ રૂ. 972 ઉંચકાતા રૂ. 58882 અને ચાંદી રૂ. 2131 વધીને રૂ. 71576 હતી.