• શનિવાર, 25 માર્ચ, 2023

એચડીએફસીનો નફો 13 ટકા વધીને રૂા. 3691 કરોડ થયો   

કંપનીની એયુએમ વધીને રૂા. 7.01 લાખ કરોડ થઈ 

મુંબઈ, તા. 2 (એજન્સીસ) : ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા કંપની એચડીએફસીનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂા. 3691 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂા. 3261 કરોડનો નફો નોંધાવ્યો હતો. 

કંપનીએ સપ્ટેમ્બર, 2022ના ત્રિમાસિક ગાળામાં રૂા. 4454 કરોડનો ચોખ્ખો નફો કર્યે હતો. 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરાં થયેલા ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીનો કરવેરા પૂર્વેનો નફો રૂા. 4612 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 4048 કરોડનો થયો હતો. 

કંપનીનો કરવેરા ચૂકવ્યા પછીનો નફો રૂા. 3730 કરોડ થવાનો અંદાજ સમીક્ષકોનો હતો. નાણાં વર્ષ 2023ના પહેલા નવ માસમાં કંપનીનો કરવેરા પહેલાનો નફો રૂા. 14616 કરોડ તયો હતો જે ગત નાણાં વર્ષના સમાન ગાળામાં રૂા. 12624 કરોડ થયો હતો. 

આ નવ માસના ગાળા દરમિયાન કંપનીએ રૂા. 2802 કરોડનો વેરો ચૂકવ્યો હતો, તે પછીનો નફો રૂા. 11814 કરોડ થયો હતો, જે પાછલા નાણાં વર્ષના સમાન ગાળામાં રૂા. 10042 કરોડનો થયો હતો, આમ, કંપનીએ વાર્ષિક ધોરણે 18 ટકાનો વિકાસ દર હાંસલ કર્યે છે.

કંપનીની કામગીરી હેઠળ વ્યાજની ચોખ્ખી આવક સમીક્ષા હેઠળના ગાળામાં રૂા. 4840 કરોડ થઈ હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 4284 કરોડની થઈ હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે રૂા. 4639 કરોડની થઈ હતી. એપ્રિલથી ડિસેમ્બર ગાળામાં કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.5 ટકા રહ્યું હતું. 

કંપનીની એસેટ અન્ડર મૅનેજમેન્ટ (એયુએમ) ડિસેમ્બર ગાળાના અંતે રૂા. 7.01 લાખ કરોડ થઈ હતી, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂા. 6.19 લાખ કરોડ હતી. તેમાં વ્યક્તિગત લૉનનો હિસ્સો 82 ટકા રહ્યો હતો.