ગ્રુપ કંપનીઓના શૅર્સમાં ધોવાણ યથાવત્
મુંબઈ, તા. 2 (એજન્સીસ) : અદાણી ગ્રુપ દ્વારા તેમના રૂા. 20,000 કરોડના એફપીઓને પાછો ખેંચી લેવાની કરવામાં આવેલી ઘોષણા બાદ ગુરુવારે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ સરકાર હસ્તક બૅન્કોને અદાણી ગ્રુપમાં તેમના ધિરાણ વિશે માહિતી એકત્ર કરવાનું જણાવ્યું છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ આ ઘટના વિશે તાત્કાલિક કોઈ ટિપ્પણી આપવાનું ટાળ્યું છે. જોકે, આરબીઆઈના સૂત્રોએ આ વિશે સત્તાવાર પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી, જેઓ આ ઘટના સાથે સીધી રીતે સંકળાયેલા હતા.
અમેરિકાની શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગના રિસર્ચ અહેવાલમાં અદાણી ગ્રુપ દ્વારા વિવિધ કંપનીઓના હિસાબમાં મેળ નહીં હોવાનો અને તે મોટા કરજના બોજ હેઠળ હોવાથી તેમના શૅર્સમાં 85 ટકા સુધીનું ધોવાણ સંભવ હોવાનો આક્ષેપ કર્યા બાદ અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના શૅર્સમાં અત્યાર સુધીમાં ભારે ધોવાણ થયું છે અને ગ્રુપની વિવિધ કંપનીઓમાં ધિરાણ આપનાર બૅન્કોમાં વિશેષરૂપે જાહેરક્ષેત્રની બૅન્કોની બેલેન્સશીટ જોખમમાં મૂકાય નહીં તે માટે આરબીઆઈએ આજે બૅન્કોને તેમના ધિરાણ જોખમનો અંદાજ બાંધવાનું કહ્યું છે.
અદાણી ગ્રુપ દ્વારા હિન્ડનબર્ગના તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા બાદ તેમના શૅર્સમાં સુધારો થયો હતો અને તેમનો એફપીઓ પણ અંતિમ દિવસે સફળતાપૂર્વક છલકાઈ ગયો હતો, પરંતુ તેમની ગ્રુપ કંપનીઓના શૅર્સમાં ભારે ધોવાણ થવાના કારણે અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ ગઈકાલે મોડી રાત્રે એફપીઓ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી સંકટના સમયમાં કંપનીમાં વિશ્વાસ દાખવનાર તમામ પક્ષકારો અને રોકાણકારોનો આભાર માન્યો હતો અને એફપીઓમાં રોકાણ કરનાર તમામને નાણાં પાછા આપવાનું કહ્યું હતું.
અદાણી ગ્રુપની બે મુખ્ય કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસીસ અને અદાણી પોર્ટના શૅર્સમાં આજના સત્રના અંતે અનુક્રમે 27 ટકા અને 6.60 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા.